વડોદરાઃ વડોદરા નજીક આવેલા અખંડ ફાર્મહાઉસમાં 8 વર્ષ પહેલાં યોજાયેલી પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગુજરાતના ઉદ્યોગપતિઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં કોર્ટે તમામ આરોપીને દોષમુક્ત જાહેર કર્યા છે.
સેવાસી-અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મહાઉસમાં વર્ષ-2016ની 22 ડિસેમ્બરે એક ઉદ્યોગપતિની પૌત્રીનાં લગ્નના આગલે દિવસે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના માલેતુજારો દારૂની મોજ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી પુરુષો અને મહિલાઓ સહિત 273 મોટાં માથાંને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આ કેસમાં આરોપીઓના બ્લડ ટેસ્ટ લઈ એફએસએલમાં મોકલ્યા હતા, જેમાં 97 મહિલા અને 83પુરુષ મળી 130 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 79 પુરુષ, 50 મહિલા મળી 129 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓની સામે જિલ્લા એલસીબી દ્વારા કેસ દાખલ કરાયો હતો. જો કે 8 વર્ષ બાદ આ કેસમાં કોર્ટે પુરાવાઓના અભાવે તમામ 129 આરોપીને દોષમુક્ત જાહેર કર્યા છે.

