એરપોર્ટના વોશરૂમમાં પેસેન્જર 1 કલાક ફસાયો, લંડન ફ્લાઇટ 20 મિનિટ લેટ થઈ

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના લાઉન્જના વોશરૂમમાં એક પેસેન્જર ફસાઈ જતાં દરવાજાનું લોક તોડીને તેને 1 કલાકે બહાર કઢાયો હતો. જેને કારણે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 20 મિનિટ મોડી ઉપડી હતી.
એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ શનિવારે બપોરે 1.40 વાગ્યે ટેકઓફ થવાની હતી. આ ફ્લાઇટમાં ધર્મેન્દ્ર ગાંધીએ બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. તેઓ લાઉન્જમાં લંચ કરવા પહોંચ્યા હતા. એ પછી લાઉન્જમાં આવેલા વોશરૂમમાં ગયા હતા. તેઓ બહાર નીકળવા જતાં લોક કરેલા વોશરૂમનો દરવાજો ખૂલ્યો નહીં. લગભગ 5 મિનિટ સુધી તેમણે અંદરથી લોક ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. દરવાજો ન ખૂલતાં મુસાફર દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી, જેનો અવાજ આવતાં લાઉન્જમાં પર ફરજ બજાવતો સ્ટાફ વોશરૂમ તરફ દોડી આવ્યો હતો. જો કે લાઉન્જ સ્ટાફ દ્વારા પણ દરવાજો ન ખૂલતાં આખરે એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો, જેમણે ઘણી મથામણ પછી દરવાજાનું લોક તોડી પેસેન્જરને બહાર કાઢ્યો હતો.
બિઝનેસ ક્લાસ લાઉન્જમાં વોશરૂમના દરવાજા પર લગાવાયેલાં ઇમ્પોર્ટેડ લોક ઘણી વખત ખૂલતાં નથી. આ સ્થિતિમાં લંડન
જતી એરઇન્ડિયાની ફ્લાઇટ 20 મિનિટ મોડી પડી હતી.


comments powered by Disqus