ઓલિમ્પિકમાં ગુજરાતને મળશે બ્રિટનની તજજ્ઞતાનો લાભઃ બ્રિટિશ હાઈકમિશનર

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

ગાંધીનગરઃ ભારતસ્થિત બ્રિટિશ હાઇકમિશનર લિન્ડી કેમેરોને તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ મુલાકાતમાં રિન્યુએબલ એનર્જી, સાઇબર સિક્યોરિટી, પિપલ ટુ પિપલ કનેક્ટ, ઓલિમ્પિક ગેમ્સમાં બ્રિટનની તજજ્ઞતાનો ગુજરાતને લાભ અને પરસ્પર સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ગહન ચર્ચા થઈ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટનના પરસ્પર સંબંધોનો સેતુ સુદૃઢ બની રહ્યો છે તેને વધુ આગળ ધપાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને સૌને સાથે લઈને ચાલવાની નીતિ સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાકાર કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઇ કમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણાધિન છે, એટલું જ નહીં ગ્રીન હાઇડ્રોજન જેવા ઊભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ પ્રેઝન્સ થઈ છે. આવા સમયે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં બ્રિટન પણ સાથે મળીને આગળ વધવાની તત્પરતા દાખવતું હોવાની આશા લિન્ડી કેમેરોને વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું કે, બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાંના વેપારઉદ્યોગ જગતમાં તેમનું નોંધપાત્ર યોગદાન છે.
બ્રિટિશ હાઇ કમિશનરે ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જે બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતમાં કાર્યરત્ બ્રિટિશ ઉદ્યોગ સાહસોને રાજ્ય સરકારના મળી રહેલા સહકાર અંગે તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, બ્રિટિશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા સહિતની સુવિધા માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે.


comments powered by Disqus