ભુજઃ કચ્છમાં એક તરફ હાલ નલિયા સુધી બ્રોડગેજ રેલવેલાઇન પહોંચી ગઈ છે. માંડવીથી લઈને સરહદ સુધી રેલવે પહોંચાડવાના સરવેની કામગીરી ચાલુ છે. તેવામાં લાંબા સમયથી જેની માગ છે તેવા કંડલાથી રાજસ્થાનના જેસલમેર સુધી રેલવેલાઇનના કામમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં આ રૂટ પર સરવે થઈ ગયા બાદ અંદાજે રૂ. 2555 કરોડના પ્રોજેક્ટ પીએમ ગતિશક્તિ હેઠળ કરાવવા ખુદ શિપિંગ મંત્રાલયે કેન્દ્રીય રેલવે મંત્રાલયને વિનંતી કરી છે.
શિપિંગમંત્રીએ સંસદમાં ઇન્ડિયન પોર્ટ રેલ અને રોપવે કોર્પોરેશન લિમિટેડ (IPRCL) અને કંડલા પોર્ટ સાથે કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો અંગે નિવેદન પણ આપ્યું હતું. IPRCL એ જાન્યુઆરી 2018 માં જેસલમેર, બાડમેર અને ભવતાડાને સાંચોરથી કંડલા પોર્ટને જોડતા નવા રેલ માર્ગ માટે વ્યાપક સંભવિતતા અંગે અભ્યાસ હાથ ધર્યો હતો.
કચ્છના રેલ-રસ્તાના પ્રશ્નો દિલ્હી પહોંચ્યા
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લઈ કચ્છ-મોરબીના રેલવે તથા રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ ખાણ-ખનિજ, ઇન્ડસ્ટ્રીઓ અને પ્રવાસ ક્ષેત્ર ધરાવતો વિશાળ ક્ષેત્રવાળો જિલ્લો છે. લાખો લોકો દેશના વિવિધ પ્રાંતથી રોજગાર-ધંધા માટે આવનજાવન કરે છે.

