ગુજરાતમાં ભારતના સૈન્ય દળની જમીન પણ સુરક્ષિત નહીં

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પડતર, ગૌચર, વન અધિનિયમ હેઠળનાં જંગલો જ નહીં ભારતના સૈન્ય દળોને ફાળવેલી જમીનમાં પણ ભૂમાફિયા ઘૂસી ગયા છે. સંસદમાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસ શુક્રવારે સંરક્ષણ મંત્રીએ આપેલા જવાબમાં દેશમાં 10,342 એકરથી વધુ ક્ષેત્રફળની રક્ષાભૂમિમાં ગેરકાયદે દબાણ થયાનો એકરાર કર્યો છે, જેમાં ગુજરાતમાં 212.8499 એકરનો સમાવેશ થાય છે.
જો કે સંરક્ષણ મંત્રાલય હસ્તકની જમીન હોય તેવા દેશનાં 32 રાજ્યો પૈકી ગુજરાત પાસે પ્રમાણમાં ઓછી જમીન છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જિલ્લામાં સંરક્ષણ મંત્રાલયની જમીનો આવેલી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ- BSF, એરફોર્સ, નેવી સહિતનાં સંરક્ષણ દળોને ગુજરાત સરકારે વખતોવખત જમીન ફાળવી છે. જેમાંથી ત્રણેક વર્ષ અગાઉ 272 એકરમાં દબાણ હોવાનું ભારત સરકારે સ્વીકાર્યું હતું. જે પૈકી વર્ષ 2021ની સ્થિતિએ 1.37 એકર જ પરત લઈ શકાઈ હતી.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આ આંકડો વધવાની શક્યતા છે.


comments powered by Disqus