પશ્વિમ રેલવેમાં મુંબઈને પછાડી સુરત સ્ટેશન સૌથી મોટો કમાઉ દીકરો

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

સુરતઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં મુંબઈના મુખ્ય ચારેય સ્ટેશન સહિત 110 સ્ટેશનને પછાડી સુરત સ્ટેશન સૌથી મોટો કમાઉ દીકરો સાબિત થયું છે. ગત નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલવેનાં તમામ સ્ટેશનોની આવકના જાહેર થયેલા આંકડામાં આ હકીકત સામે આવી છે. સુરત રેલવે સ્ટેશનની રૂ. 835 કરોડની આવક સૌથી અવ્વલ ક્રમે નોંધાઈ હતી.
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી સહિત કુલ 110 સ્ટેશન આવે છે. આ તમામ સ્ટેશનમાં આવકની દૃષ્ટિએ સુરતે તમામને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતના મોટાં રેલવે સ્ટેશનોની સરખામણીમાં સુરત રેલવે સ્ટેશનથી 24 કલાક વિવિધ 135 કરતાં વધુ ટ્રેનમાં મુસાફરો અવરજવર કરે છે. નેશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેશન કમિટી (એનઆરયુસીસી)ના સભ્ય બિપીન પટેલ કહે છે કે, પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતાં તમામ સ્ટેશનોની વર્ષ 2023-24 દરમિયાન થયેલી કમાણીના આંકડા સામે આવ્યા છે. તેમાં સુરત રેલવે સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી અને દાદર સૌથી વધારે આવક ધરાવતાં ટોપ ફાઇવ સ્ટેશનમાં નોંધાયાં છે. સુરત રેલવે સ્ટેશને વાર્ષિક રૂ. 835.45 કરોડની કમાણી કરી છે.
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના વાપી, વિરાર, વસઈ, અંધેરી અને ઉધના રેલવે સ્ટેશન ટોપ-10 કમાણી કરનારા સ્ટેશનોમાં સામેલ છે. ઉધના સ્ટેશન 10મા સ્થાને રહ્યું છે, જેની આવક રૂ. 730 કરોડ છે.


comments powered by Disqus