બનાસ ડેરી-સુઝુકી વચ્ચે રૂ. 250 કરોડના ખર્ચે 5 બાયો CNG પ્લાન્ટ સ્થાપવા કરાર

Wednesday 14th August 2024 06:23 EDT
 
 

ગાંધીનગરઃ વિશ્વની જાણીતી ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટરે વિશ્વભરમાં અભ્યાસ કર્યા બાદ આખરે પોતાના ભાવી બાયો CNG પ્રોજેક્ટ માટે બનાસકાંઠા પર પસંદગી ઉતારી છે. શુક્રવારે બનાસડેરી સંકુલમાં સુઝુકીના ચેરમેન તોથી હીરો સુઝુકી, વાઈસ ચેરમેન આયુકાવા શાન, સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર ટોયો ફૂંકું શાન, NDDBના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ નિયામક મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં રૂ. 250 કરોડના ખર્ચે બનાસકાંઠામાં 5 બાયો CNG પ્લાન્ટ સ્થાપવા કરાર સંપન્ન થયા હતા. જાપાનીઝ ડેલિગેશને બનાસડેરીના દૂધ અને બાયો CNG પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ઉત્સર્જનની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું છે. પશુના છાણમાંથી બાયો CNG તૈયાર કરીને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય તેમજ તેની ગૌણ પેદાશથી પ્રાકૃતિક ખાતર પેદા કરવાની દિશામાં બનાસ ડેરી અને સુઝુકી કંપની વચ્ચે કરાર થયા છે. જે માટે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 CNG પ્લાન્ટ ઊભા કરવા રૂ. 250 કરોડથી વધુના રોકાણ તેમજ જાપાનની ટેક્નોલોજી પણ પૂરી પાડશે. આ પ્લાન્ટ હયાત દામા પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર, ડીસા અને થરાદમાં સ્થપાશે.
આ પ્રસંગે શંકર ચૌધરી જણાવ્યું હતું કે, કારગિલ શૌર્ય દિવસે જિલ્લામાં નવી શરૂઆત થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીએ નવો રાહ ચિંધ્યો હતો, જેના પર ચાલતાં સાચા અર્થે ગોબર નહીં, પરંતુ ગોબર ધન બન્યું છે. બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં ટીમ બનાસનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. સુઝુકીએ બનાસ પર ભરોસો મૂક્યો તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. રૂ. 250 કરોડથી વધુના ખર્ચે બનાસકાંઠામાં 5 બાયો CNG પ્લાન્ટ સ્થપાશે. આમ સુઝુકીના સહયોગથી અમારું બાયો CNGનું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. સુઝુકીના ચેરમેન તોશીહીરોએ જણાવ્યું કે, અમારી કંપનીએ બાયો CNG પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે.


comments powered by Disqus