નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં પ્રસરેલી હિંસા અને અરાજકતા વચ્ચે બાંગ્લાદેશના એક પત્રકારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર મોટો આરોપ મૂક્યો છે. પત્રકારે કહ્યું છે કે, તેમણે પાછલા મહિને લંડનમાં ખાલીદા ઝિયાના પુત્ર સાથે મુલાકાત કરી હતી. ભાજપે આ બાબતને ગંભીર ગણાવી છે અને કોંગ્રેસને સવાલ કર્યો છે કે શું આ સત્ય છે?
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિન્હાએ લંડનમાં ખાલીદા ઝિયાના પુત્ર સાથે રાહુલ ગાંધીની મુલાકાતના સમાચારને ગંભીર ગણાવતાં માગ કરી છે કે કોંગ્રેસે તરત જણાવવું જોઈએ કે શું આ મુલાકાત થઈ હતી? અને જો થઈ હતી તો તેનો એજન્ડા શું હતો? બાંગ્લાદેશના વરિષ્ઠ પત્રકારે આરોપ મૂક્યો છે કે ઝિયાના પુત્ર સાથેની મુલાકાત દરમિયાન રાહુલે આંદોલનને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એક ખૂબ મોટો અને ગંભીર આરોપ છે, તેના પર કોંગ્રેસે તરત જવાબ આપવો જોઈએ.

