ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી શાળાઓ, શૈક્ષણિક સંકુલો તથા સંસ્થાઓ ખાતે 10 ઓગસ્ટે વિશ્વ સિંહદિવસની ઉજવણી કરાઈ. ભાવનગર શહેર-જિલ્લામાં આવેલ એક હજારથી વધુ શાળાઓમાં 4 લાખથી વધુ બાળકોએ સિંહદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
સિંહનાં માસ્ક પહેરી વિશાળ રેલી
ભાવનગરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબહેન રાજીવભાઈ પંડ્યાના વરદહસ્તે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સંસ્થામાં અભ્યાસ કરતાં બાળકોને એક્યુપાથ પેથોલોજી લેબોરેટરી દ્વારા બાળકોને કોઈપણ લેબોરેટરી રિપોર્ટ 50 ટકા રાહત આપતા કાર્ડનું વિતરણ કરાયું હતું. આશરે 600 કરતાં વધુ વિધાર્થીઓ રેલીમાં જોડાયા. પી.જે. વિદ્યાસંકુલમાં ધોરણ 4 થી 12નાં વિદ્યાર્થીઓએ સિંહના મહોરાં પહેરી વિશાળ રેલીનું સફળ આયોજન કરાયું અને વિદ્યાર્થીઓને સિંહ વિષે માહિતી આપી અને વન્યજીવન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉમરાળામાં ત્રણ હજાર બાળકોની રેલી
ઉમરાળાની પી.એમ. સર્વોદય હાઇસ્કૂલના નેતૃત્વમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉમરાળાની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ, જાગૃત ગ્રામજનો સહિત આશરે ત્રણેક હજાર લોકોની ભાવનગર તાલુકાની સૌથી મોટી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને મમતાબહેનની વિશેષ ઉપસ્થિતિમાં નેચર એજ્યુકેશન લીડર રેવતુભા રાયજાદાએ વિદ્યાર્થીઓને ગીરના સિંહની વિવિધ માહિતી આપી હતી.

