મુખ્યમંત્રી નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે

Tuesday 13th August 2024 06:24 EDT
 
 

ગાંધીનગર: 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમની શરૂઆત કરશે. તો બીજા દિવસે 15 ઓગસ્ટે મુખ્યમંત્રી ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78મા સ્વાતંત્ર્યપર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.
મુખ્યમંત્રી બુધવારે 14 ઓગસ્ટે સાંજે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા નડિયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમોની શરૂઆત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી સંતરામ મંદિરનાં દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેશે. સ્વાતંત્ર્યદિવસની પૂર્વ સંધ્યાએ નડિયાદમાં આયોજિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નડિયાદમાં આયોજિત એટ હોમ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી જોડાશે.
મુખ્યમંત્રી 78મા સ્વતંત્ર્યપર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં બુધવારે સાંજે ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનારા શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ. 118 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી 15 ઓગસ્ટે ગુરુવારે સવારે 5:58 વાગ્યે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વ નિમિત્તે સરકિટ હાઉસથી ધ્વજવંદન કાર્યક્રમના માર્ગને રોશનીથી સજાવવામાં આવ્યો છે. ઉપરાંત નડિયાદ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, સરકિટ હાઉસ, જૂની કલેક્ટર કચેરી, સરદાર ભવનને શણગારવામાં આવ્યાં છે.


comments powered by Disqus