નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારે પોતાની સતત 11મી ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ આપશે, જે સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે સત્તામાં આવ્યા બાદની પહેલી સ્પીચ બનશે. નરેન્દ્ર મોદીએ ગત 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમણે જવાહરલાલ નહેરુના વિક્રમની બરાબરી કરી હતી.
આ સાથે તેઓ 15 ઓગસ્ટે નહેરુ અને તેમનાં પુત્રી ઇન્દિરા ગાંધી બાદ લાલકિલ્લા પરથી સતત 11 વાર ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ દ્વારા દેશને સંબોધન કરનારા વડાપ્રધાન બનશે. નહેરુ સતત 17 ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ આપવાનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે ઇન્દિરા ગાંધીએ પણ સતત 11 ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ આપી હતી.
મોદી મનમોહનસિંહને પાછળ રાખી દેશે
અત્યાર સુધી ત્રીજા ક્રમ પર વડાપ્રધાન મનમોહનસિંહ હતા, જેમણે સતત 10 વાર 15 ઓગસ્ટે દેશને સંબોધન કર્યું હતું, જેમને હવે મોદી પાછળ રાખી દેશે. નરેન્દ્ર મોદીએ 2014માં પોતાની પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ ડે સ્પીચ આપી હતી. તે સમયે તેમણે સ્વચ્છ ભારત અને જનધન એકાઉન્ટ જેવી અનેક નવી યોજનાની જાહેરાત કરી હતી.
15 ઓગસ્ટેઃ વડાપ્રધાન મોદી 11 મુદ્દાનો એજન્ડા આપશે
પીએમ નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વિકસિત ભારત માટે 11 મુદ્દાનો એજન્ડા રજૂ કરી શકે છે. જેમાં 'વિશ્વબંધુ ભારત'નો સંકલ્પ હશે. 11 લાખ સૂચનોના આધારે તેને બનાવાયા છે. ત્રીજા કાર્યકાળમાં મોદીનું લાલ કિલ્લા પરથી આ સતત 11મું સંબોધન હશે. દેશના પહેલા પીએમ પંડિત જવાહરલાલ નેહરુ પછી આવું કરનારા નરેન્દ્ર મોદી બીજા પીએમ હશે. કાર્યક્રમમાં તમામ ઓલિમ્પિક ખેલાડી મહેમાન તરીકે આવી શકે છે.

