ગાંધીનગરઃ ભારતમાં વક્ફ બોર્ડ પાસે કુલ 88,58,238 મિલકતો છે, જેમાં ગુજરાતના વક્ફ બોર્ડ પાસે જ 39,940 સ્થાવર અને 5,416 જંગમ મિલકતો છે. દેશમાં સ્થાવર મિલકતોમાં ગુજરાત આઠમા ક્રમે છે, જ્યારે જંગમ મિલકતોમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં 1 નવેમ્બર 2013થી વક્ફ બોર્ડ હસ્તકની મિલકતોના વેચાણ અથવા તો હસ્તાંતરણ પર સંપૂર્ણતઃ પ્રતિબંધ હોવા છતાં રૂ. 300 કરોડથી વધારે મૂલ્યની 35થી વધુ સંપત્તિ બારોબાર વેચી દેવાઈ છે.
લોકસભામાં વક્ફના કાયદામાં સુધારાને રજૂ કરાયો તે પહેલાં બુધવારે એક પ્રશ્નના ઉત્તરમાં લધુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વક્ફ બોર્ડ હસ્તકની મિલકતોનો ચિતાર રજૂ કર્યો હતો, જેમાં ભારતીય વક્ફ પરિસંપત્તિ પ્રબંધન પ્રણાલી- WAMSIમાં ગુજરાતમાં 39,940 સ્થાવર મિલકતોમાંથી માત્ર 18,749નો જ GPS સરવે થયાનું કહેવાયું છે. ભારતમાં વક્ફની કુલ 19209 મિલકતો મુદ્દે કોર્ટમાં લિટિગેશન પેન્ડિંગ છે, જેમાં સૌથી વધુ કેસ તેલંગાણાના 3,565 છે, તે પછી 2,399 ગુજરાતના કેસ વિવિધ કોર્ટમાં હોવાનું કહેવાયું છે. આ તરફ ગુજરાતમાં નવેમ્બર-2013થી વક્ફની મિલકતોના વેચાણ પર પ્રતિબંધ છતાં વિતેલાં 10-12 વર્ષમાં રાજ્ય વક્ફ બોર્ડ, ટ્રસ્ટીઓ અને મિલકત માફિયાએ રૂ. 300 કરોડથી વધારે મૂલ્યની 36થી વધુ સંપત્તિનું વેચાણ કર્યું છે.

