વલ્લભીપુરઃ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના અડધા કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસો આવતી-જતી ન હોવાથી તાલુકાની અડધી વસ્તી બસસેવાથી વંચિત છે. વલ્લભીપુર તાલુકાથી એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે, છતાં આ તાલુકાના કુલ 55 ગામડાં પૈકી અડધાં ગામમાં બસ સુવિધા નથી. આ હકીકત સાથે આઝાદીનાં 77 વર્ષ પછી પણ લોકોને રાજ્ય પરિવહન સેવાથી વંચિત હોવું તે કમનસીબી છે. અલબત્ત સ્થાનિકોને જે-તે ગામનાં પાટિયાંથી બસ પકડવી પડે છે.

