દાહોદઃ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિવાસી અસ્મિતા અને પરંપરાને ઉજાગર કરતી મહારેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચિક્કાર જનમેદની ઊમટી પડતાં દાહોદના માર્ગો પર કીડીયારું ઊભરાયું હોય તેવાં દૃશ્યો સર્જાયાં. પરંપરાગત વેશભૂષા અને ઓજારો સાથે આદિવાસી લોકગીતો પર હજારોની સંખ્યામાં ઊમટેલા આદિવાસી સમાજના લોકો તહેવારની ઉજવણીમાં ઓતપ્રોત થઈ ઉજવણી કરતા નજરે પડ્યા હતા. પંથકના દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, તેમજ લીમખેડા મુકામે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલીમાં પરંપરાગત ઢોલ, ત્રાંસા, માંદલ, વાજિંત્રો પર થીરકતા જોવા મળ્યા હતા.
દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોલેજ તેમજ ગોધરા રોડ ખાતે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા તેમના પૂર્વજોની પરંપરાગત રીતે પૂજા-અર્ચના બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહારેલીની શરૂઆત થઈ હતી. નવજીવન કોલેજ ખાતે કલેક્ટર યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, પ્રાંત અધિકારી, માજી સૈનિક સંગઠનના આગેવાન તેમજ બિરસા મુંડા ટ્રસ્ટના ડોક્ટર કે આર ડામોરનું પરંપરાગત સ્વાગત કરાયું હતું.

