રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ફિઝીની સત્તાવાર મુલાકાતે પહોંચ્યાં હતાં, જ્યાં ફિઝીના રાષ્ટ્રપતિએ ફિઝીના સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી તેમને સન્માનિત કર્યાં.
• કૈલાસનાથને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ પદના શપથ લીધાઃ ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઇએએસ અધિકારી કે. કૈલાસનાથને બુધવારે રાજભવનમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ પદના શપથ લીધા. ચીફ જસ્ટિસ ડી.કૃષ્ણકુમારે કૈલાસનાથનને શપથ અપાવ્યા.
• રાજ્યસભાની 9 રાજ્યની 12 બેઠક માટે 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યસભાની 9 રાજ્યમાં આવેલી 12 બેઠક પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે કરવામાં આવેલી જાહેરાત અનુસાર તમામ પેટાચૂંટણી આગામી 3 સપ્ટેમ્બરે યોજવામાં આવશે.
• ‘જયાજી બહુ થયું... ગૃહમાં ડેકોરમ જાળવો’: રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને સપા સાંસદ જયા બચ્ચન વચ્ચે શુક્રવારે ઉગ્ર ચર્ચા જોવા મળી. ધનખડે જયાને ‘જયા અમિતાભ બચ્ચન' તરીકે સંબોધ્યા બાદ તેમણે ધનખડના ટોન સામે વાંધો ઉઠાવ્યો હતો.
• વિનેશ ફોગાટને ચૂંટણી લડવાની ઓફરઃ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ પર પ્રશ્નાર્થ મુકાતાં જ કુશ્તીબાજ વિનેશ ફોગાટને આમ આદમી પાર્ટી દ્વારા હરિયાણામાં ચૂંટણી લડવાની ઓફર કરાઈ છે. અને આ ઓફર હરિયાણા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ કરી છે.
• મણિપુરમાં ફરી હિંસાઃ 4નાં મોતઃ મણિપુરમાં હજુ હિંસાની ઘટના સામે આવી રહી છે. તેંગનોપલ જિલ્લામાં ઉગ્રવાદીઓ અને ગ્રામરક્ષકો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં 4 લોકોનાં મોત થયાં. બંનેે જૂથ કુકી આદિવાસી સમાજનાં છે.
• પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહનું નિધનઃ યુપીએ સરકારમાં વિદેશમંત્રી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. નટવરસિંહનું 95 વર્ષની જઇફ વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ એક મહિનાથી ગુરુગ્રામની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઇન્ડિયન ફોરેન સર્વિસ બાદ 1984માં તે રાજકારણમાં આવ્યા હતા.
• વરિષ્ઠ IAS અધિકારી ટી.વી. સોમનાથન કેબિનેટ સચિવ બન્યાઃ વરિષ્ઠ આઈએએસ અધિકારી ટી.વી. સોમનાથનની હવે પછીના કેબિનેટ સચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ તામિલનાડુ કેડરના 1987ની બેચના આઇએએસ અધિકારી છે.
•મનીષ સિસોદિયાને 17 મહિના બાદ જામીનઃ દિલ્હી લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે 17 મહિના પછી મનીષ સિસોદિયાને શરતી જામીન આપ્યા છે. તેમણે પોતાનો પાસપોર્ટ જમા કરાવી દર સોમવારે પોલીસ મથકમાં હાજરી પુરાવવાની રહેશે.
• પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ હમીદની ધરપકડઃ આઇએસઆઇના પૂર્વ ચીફ ફેઝ હમીદની પાકિસ્તાન સેનાના ટોપ સિટી આવાસ કેસમાં ધરપકડ થઈ છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફેઝ હમીદ વિરુદ્ધ ફરિયાદની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડી હતી.

