સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી પાણીની આવક સતત ચાલુ છે અને તેના કારણે ડેમ 90.64 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે. આ સ્થિતિના પગલે તંત્ર દ્વારા તેને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાણીને દરિયામાં જતું અટકાવવાના બદલે તેને ઉત્તર ગુજરાતનાં તળાવો અને સૌરાષ્ટ્રનાં જળાશયોમાં પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાનાં કુલ 952 તળાવને જુદીજુદી 13 પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. એવી જ રીતે આ વધારાનું પાણી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલીનાં કુલ 40 જળાશયને સૌની યોજનાની 4 પાઇપલાઇન મારફતે આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જો વરસાદ ખેંચાય તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓના 600 ચેકડેમ-તળાવો ભરાયેલા હોવાથી પાણીની સમસ્યા નહીં પડે.

