‘છોટી કાશી’ જામનગરનો 485મા વર્ષમાં પ્રવેશ

Wednesday 14th August 2024 07:15 EDT
 
 

જામનગરઃ ઈ.સ. 1540માં શ્રાવણ સુદ સાતમના દિવસેે જામરાવળે નવાનગરની સ્થાપના કરી હતી, જેને દુનિયા આજે જામનગર શહેર તરીકે ઓળખે છે. 12 ઓગસ્ટે જામનગરના 485મા સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે દરબાર ગઢ વિસ્તારમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું સત્તાધીશો દ્વારા પૂજન કરવામાં આવ્યું. આ નિમિત્તે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સંવત 1596, ઇ.સ. 1519માં કચ્છ કિનારેથી નાનું રણ ઓળંગી સેનાની સાથે આવેલા જામ રાવળે આ પ્રદેશનું નામ જાડેજા શાખના મૂળ પુરુષ ગાજનના પુત્ર હાલાજી પરથી હાલાર પાડ્યું. જામ રાવળ જેમજેમ પ્રદેશો જીતતા ગયા તેમતેમ તેમનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. જામ રાવળે પ્રથમ બેડમાં અને પછી ખંભાળિયામાં રાજધાની બદલી હતી, પરંતુ રાજધાની ખંભાળિયામાં રહે તો જોડિયા, આમરણ, કાલાવડ, પરગણા ઘણા દૂર રહી જાય અને વહીવટી તથા દેખરેખ મુશ્કેલ બને, તેથી રાવળ જામને એક મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાઈ. સોરઠના કર્તા દીવાન રણછોડજીના મંતવ્ય મુજબ દિલ્હીમાં બાદશાહ હુમાયુનો અને ગુજરાતમાં સુલતાન મહમૂદ બિનમહમદ શાહનો અમલ હતો, ત્યારે વિ.સં. 1596ના શ્રાવણ સુદ-સાતમેે બુધવારે રંગમતી અને નાગમતીના કિનારે જામ રાવળે જામનગર વસાવ્યું.
જામ રાવળેે એકલા હાથે પ્રબળ પુરુષાર્થ કરીને હાલારનું રાજ્ય સ્થાપ્યું. જામ રાવળે ખંભાળિયા અને બેડની વચ્ચે પોતાનાં કુળદેવી માતા આશાપુરાની સ્થાપના કરી, જે સ્થાન હાલ જોગવડ તરીકે વિખ્યાત છે. જામ રાવળે ઈ.સ. 1540 થી 1562 (વિ.સં. 1596થી 1618) 22 વર્ષ સુધી શાસન કર્યું. ત્યારબાદ જામનગરની ગાદીએ આવેલા રાજવીઓએ નગરનો ઉત્તરોતર વિકાસ કર્યો હતો. જામ વિભાજીના સમયમાં જામનગરે ધર્મ, સંગીત, કલા, સાહિત્ય, સંસ્કૃત ભાષા અને વૈદિક જેવી સર્વતોમુખી પ્રગતિ સાધી. જામ વિભાજી બાદ જામ રણજિતસિંહજી 11 માર્ચ 1907ના દિવસે જામનગરની ગાદીએ બેઠા, જેમણે પ્રથમ ધ્યાન આરોગ્ય અને સ્વચ્છતા ભણી આપ્યું.


comments powered by Disqus