નવી દિલ્હીઃ કતારે જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચારીઓને મુક્ત કરી દીધા છે કે જેમને લગભગ સાડા ત્રણ મહિના અગાઉ સંદિગ્ધ જાસૂસીના કેસમાં ફાંસીની સજા ફરમાવાઇ હતી.
રાજદ્વારી નિષ્ણાતો આને ભારતીય રાજનીતિજ્ઞોની મોટી વ્યૂહાત્મક જીત ગણાવે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા આઠ ભારતીય અધિકારીઓમાંથી સાત તો ભારત પણ પરત આવી ગયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં પોતાના નાગરિકોની મુક્તિ તથા તેમની ઘરવાપસી સંભવ બનાવવા માટે કતારના અમીરના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર કતારમાં ધરપકડ કરાયેલાં દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતાં આઠ ભારતીય નાગરિકોને મુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કરે છે.
નોંધનીય છે કે ગત ૨૬ ઓક્ટોબરના રોજ કતારની એક અદાલતે ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને મોતની સજા સંભળાવી હતી.
ખાડી દેશની અપીલીય અદાલતે ૨૮ ડિસેમ્બરે મૃત્યુદંડને ઘટાડીને આજીવન કેદની સજા ફરમાવી હતી. ખાનગી કંપની અલ દહરા માટે કામ કરતાં આ કર્મચારીઓને ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના એક કહેવાતા મામલામાં ઓગસ્ટ 2022માં પકડી લેવાયા હતા.

