રાજકોટઃ જામનગરના પસાયા બેરાજા ગામે ‘ચલો ગાંવ કી ઔર’ અભિયાન કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખેસાડવામાં આવ્યા છે. હાલ તેઓ આઇસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતાં મંત્રીઓ અને ધારાસભ્યોનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે 11:30 કલાકે જામનગર તાલુકાના પસાયા ગામે નાનો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેમને સારવાર માટે તાત્કાલિક પસાયા ગામથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
‘ચલો ગાંવ કી ઔર’ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન ગામમાં રાત્રી રોકાણ દરમિયાન મંત્રીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. પહેલાં તેઓને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, આથી તેઓને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું તબીઓએ જણાવતાં રાત્રે 3:30 વાગ્યે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓ આઇસીયુમાં છે. કૃષિમંત્રીની સારવાર કરી રહેલા ન્યૂરો સર્જન ડો. સંજય ટીલાળાએ જણાવ્યું હતું કે, કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઇન હેમરેજ થયું છે. હાલ તેઓ સ્ટેબલ છે અને આઇસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે.

