રાજકોટઃ ઇન્ડિયન ક્રિકેટના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાના પરિવારના ઝઘડાએ હવે જાહેર સ્વરૂપ ધારણ કર્યું છે. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાનાં પુત્રવધૂ અને જામનગરના ધારાસભ્ય રિવાબા પર પરિવારમાં ફાટફૂટ પડાવવાનો જાહેર આરોપ મૂક્યો હતો. અનિરુદ્ધસિંહ જામનગરમાં સાદગીપૂર્ણ જીવન વ્યતીત કરે છે.
અનિરુદ્ધસિંહે પુત્રવધૂ રિવાબાનાં માતા-પિતા પર પોતાના પરિવારમાં અમર્યાદ હસ્તક્ષેપ અને દખલગીરી કરતાં હોવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે ભારપૂર્વક કહ્યું હતું કે, પુત્ર રવીન્દ્રના 2016ની સાલમાં રિવાબા સાથે લગ્ન થયાં ત્યારબાદ જ તેમના પરિવારમાં ઝઘડા, કંકાસ અને ટેન્શન શરૂ થઈ ગયાં હતાં. અનિરુદ્ધસિંહે આ ઇન્ટરવ્યૂમાં રવીન્દ્ર જાડેજાની કારકિર્દી ઘડવામાં તેમની બહેન નયનાબાએ આપેલા યોગદાનને પણ યાદ કર્યું હતું. અનિરુદ્ધસિંહે આરોપ મૂક્યો હતો કે એક મહિના પહેલાં જ એક લગ્નપ્રસંગે રિવાબાએ પરિવારની સંપત્તિ તેમના નામે કરી દેવા અને રવીન્દ્ર જાડેજાની રેસ્ટોરન્ટને પણ તેમના નામે કરી દેવાની તાકીદ કરી હતી. પોતાની પૌત્રીને પાંચ વર્ષથી ન જોવા બદલ અત્યંત ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરતાં અનિરુદ્ધસિંહે રવીન્દ્ર જાડેજાને ક્રિકેટર બનાવ્યો તે બદલ અને રિવાબા સાથે લગ્ન કરાવ્યાં તે બદલ ભારે પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
રવીન્દ્રએ કહ્યું કે, આ ઇન્ટરવ્યૂ લખીને તૈયાર કરાવાયો હતો. પિતાના આરોપો પાયાવિહોણા છે. આ સાથે રવીન્દ્રએ પિતાની એકતરફી આક્ષેપબાજી સામે પત્નીનો બચાવ કર્યો હતો.

