ગાર્બેજ કલેક્ટ કરનારી ટીમની ઈમાનદારીઃ રૂ. 3 લાખનાં સોનાનાં ઘરેણાં પોલીસને સોંપ્યાં

Wednesday 14th February 2024 06:06 EST
 
 

સુરતઃ મનપાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે. સુરતના સફાઈકર્મીઓ તેમની ફરજ પ્રત્યે તો નિષ્ઠા ધરાવે જ છે, સાથોસાથ ઇમાનદાર પણ એટલા જ છે. સુરતના આ સફાઈ કર્મીઓએ તેમને મળેલું રૂ. 3.10 લાખનાં સોનાના દાગીના ભરેલું બોક્સ પ્રામાણિકતાથી તે વિસ્તારના પોલીસ અધિકારીને સોંપી દીધું હતું.
સોનાનાં ઘરેણાં ભરેલું બોક્સ મળ્યું
વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઇ વાનખેડે તથા ડ્રાઇવર સલમાન શેખની ટીમને ગાર્બેજ કલેક્ટ દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા, મકનજી પાર્ક ખાતેથી હાથમાં પહેરવાના પાટલા નંગ-1, કાનમાં પહેરવાની બુટ્ટી નંગ-2 તથા ગળામાં પહેરવાનો હાર નંગ-1 ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં મળી આવ્યું હતું. આ ટીમે પુણા-Aની વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી, પરંતુ માલિક ન મળતાં પુણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી બોક્સ જમા કરાવ્યું હતું.
પ્રામાણિકતાને બીરદાવી
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરે છે, જે ખરેખર આવકારદાયક છે. ડ
ોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈ સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાનાં ઘરેણાં ભરેલું બોક્સ નાખી દીધું હોય તેવું જણાયું છે. ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન મળતાં આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે.


comments powered by Disqus