ચાંગા: શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાયસમાન ચાંગાસ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપનાદિન 3 ફેબ્રુઆરી શનિવારે ચારૂસેટમાં ઊજવાયો હતો. મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મિનેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના માનદમંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ ડો. એમ.સી. પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના જોઇન્ટ સેક્રેટરી મધુબહેન પટેલ, કેળવણી મંડળના જોઇન્ટ સેક્રેટરી વિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની શરૂઆતમાં ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલે સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય આપ્યો હતો.
એસ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોપ સાયન્ટિસ્ટની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં વિશ્વના ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થયેલ છે એવા ચારૂસેટના પ્રોફેસર ડો. સી. કે સુમેશ, ડો. વી. પ્રકાશ, ડો. અર્પણ દેસાઈ અને ડો. પ્રતીક પાટણિયાને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કરાયા હતા. દ્વિતીય કેટેગરીમાં ‘પેટર્ન એપ્રિશિએશન એવોર્ડ’ હેઠળ જેમની વર્ષ 2023માં પેટન્ટ મંજૂર કરાઈ છે તેવા ચારૂસેટ ઇન્વેન્ટર્સને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત કરનારા અધ્યાપકો, સંશોધકોને ‘રિસર્ચ અપ્રિશિએશન એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. જ્યારે ચોથી કેટેગરીમાં કેમ્પસમાં છેલ્લાં 20 વર્ષથી કાર્યરત્ સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. 'Know Your University' ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા કૃતેન પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

