દેશમાં 5 વર્ષ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનાં હતાંઃ મોદી

Thursday 15th February 2024 01:54 EST
 

નવી દિલ્હીઃ શનિવારે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન લોકસભામાં રામમંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં કહ્યું, આ 5 વર્ષમાં માનવજાતે સદીના સૌથી મોટા સંકટનો સામનો કર્યો. નીકળવું મુશ્કેલ હોવા છતાં સંસદ બેઠી. સ્પીકરે દેશનું કામ અટકવા ન દીધું. સંકટના તે સમયમાં ભથ્થું છોડવા બદલ હું સાંસદોની પ્રશંસા કરું છું.
તેમણે કહ્યું કે, 17મી લોકસભામાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પાંચ વર્ષ દેશમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનાં હતાં. આ ગૃહે કલમ 370 હટાવી છે. ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અને મહિલા શક્તિના સન્માન માટે કામ કર્યું. નવા ભવનમાં એક વારસાનો અંશ અને સ્વતંત્રતાની પ્રથમ ક્ષણને જીવંત રાખવા સેંગોલને સ્થાપિત કરાયું હતું.
રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ દાદા ચરણસિંહને ભારતરત્ન આપવાની વાત કરતાં રાજ્યસભામાં હોબાળો થયો હતો. તેમણે કહ્યું, પીએમ મોદીનો નિર્ણય વર્તમાન સરકારની કાર્યશૈલીમાં ચરણસિંહના વિચારોને પણ દર્શાવે છે. આ જમીન સાથે જોડાયેલી સરકાર છે. કોંગ્રેસે કહ્યું કે, જયંતને બોલવાની પરવાનગી નથી.


comments powered by Disqus