વડોદરાઃ પાટીદાર સમાજમાં વિદેશમાં સ્થાયી થયેલા યુવક સાથે લગ્ન કરવાની ઘેલછા વધી છે. એનઆરઆઇ યુવક સાથે લગ્ન બાદ વિદેશની ધરતી પર પગ મૂકતાં યુવતીને થતા અનુભવોના પગલે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થાય છે. 1 વર્ષમાં પાટીદાર સમાજમાં 10થી વધુ કેસ આવ્યા હોવાનું અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજે આ પ્રકારના કિસ્સા રોકવા વિદેશમાં સ્થાયી થયેલા સમાજના સભ્યોનો સંપર્ક કરી અમેરિકા, યુકે સહિત દરેક દેશમાં ટીમ બનાવી અપરિણીત યુવક-યુવતીની માહિતી રાખવા અંગે ઝુંબેશ શરૂ કરી છે, જેથી સમાજના સભ્યોને જરૂર પડે વિદેશમાં વસતાં યુવક-યુવતીની સચોટ માહિતી મળે અને વિદેશમાં થતાં લગ્નો બાદની સમસ્યા અટકાવી શકાય. આ માટે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ કમિટી બનાવશે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે કહ્યું કે, હાલમાં પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન અને જીવનસાથી પસંદગી સંમેલનો યોજાયાં હતાં. જે પૈકી ગત સપ્તાહે દક્ષિણ વિભાગ લેઉવા પાટીદાર સમાજ વડોદરા દ્વારા પસંદગી સંમેલન યોજાયું હતું. જેમાં ચર્ચા થઈ કે, સમાજની અપરિણીત યુવતી અને માતા-પિતાને વિદેશના યુવક સાથે લગ્ન કરાવવાનું જે ઘેલું લાગ્યું છે, તેમાં કેટલાક કિસ્સામાં પસ્તાવાનો વારો આવે છે.
લગ્ન સુધી બધું સારું હોય છે, પણ યુવતી વિદેશની ધરતી પર પગ મૂકે તે પછી અહેસાસ થવા લાગે છે કે નિર્ણય ખોટો હતો. વિદેશ ગયા પછી ખબર પડે છે કે, પતિ વ્યસની છે અને તેને દારૂ પીરસવો પડે છે. ઘણી દીકરીઓ હિંમતભેર મા-બાપને આપવીતી કહે છે ત્યારે સમજાય છે કે વિદેશના યુવક સાથે ઉતાવળે લગ્ન કરવાનું પરિણામ ખરાબ છે. વિદેશમાં વસતા ઘણા દીકરા સારા પણ છે, પરંતુ લગ્ન કરતાં પહેલાં તેઓની તમામ માહિતી ચેક કરવી જરૂરી છે.
