પ્રવાસી ગુજરાતી પર્વમાં વિશ્વભરમાંથી ગુજરાતી મૂળના મહાનુભાવો ઉમટ્યા

Wednesday 14th February 2024 05:40 EST
 
 

અમદાવાદઃ એસોસિયેશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ એમેરિકા (AIANA)ના સહયજમાનપદે શનિવાર 11 ફેબ્રુઆરીએ દ્વિતીય પ્રવાસી ગુજરાતી
પર્વ યોજાયું હતું. આ બે દિવસના ઈવેન્ટમાં વિશ્વભરમાંથી ગુજરાતી મૂળના 200થી વધુ નામાંકિત મહાનુભાવોએ ભાગ લીધો હતો. ફિજીના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બિમાન પ્રસાદ અને અન્યોની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
AIANAના પ્રેસિડેન્ટ સુનિલ નાયકે જણાવ્યું હતું કે આ ઈવેન્ટ વિશ્વના અન્ય વિસ્તારોમાં ગુજરાતી મૂળના આશરે 55 લાખ લોકો વસે છે ત્યારે વિશ્વમાં ‘ગુજરાતીતા’ને પહોંચાડવાનું પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ‘વર્ષો દરમિયાન આપણો ઉલ્લેખ અમેરિકન બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી (ABCD) અથવા બહારથી તપખીરિયા-બ્રાઉન અને અંદરથી સફેદ એવા નાળિયેર તરીકે કરાતો આવ્યો છે પરંતુ, આપણે જે સ્થળોએ આપણા ઘર વસાવ્યા ત્યાં પસંદગીના ક્ષેત્રોમાં આપણે સિક્કો જમાવ્યો છે.’
બિમાન પ્રસાદના પત્નીએ તેમના મૂળિયા સુરતમાં શોધ્યાં જ્યારે અન્ય મહેમાન યુએસના મિસુરીમાં સેક્રેટરી ઓફ સ્ટેટ વિવેક મલેકનો ઉછેર અમદાવાદમાં થયો હતો જ્યાં તેમના પિતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)માં કામ કરતા હતા. ઓસ્ટ્રેલિયાના સાંસદ જુલિઆ ફિન અને ન્યૂ ઝીલેન્ડના પૂર્વ મિનિસ્ટર માઈકલ વૂડે તેમના દેશોમાં આર્થિક અને સાંસ્કૃતિક યોગદાન બદલ ગુજરાતીઓને બિરદાવ્યા હતા. ઈવેન્ટમાં ભાગ લેનારાઓમાં ઇલિંગના મેયર કાઉન્સિલર હિતેષ ટેલર, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ, બાથના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ભરત પાણખણિયા, યુકે ખાતેના યુગાન્ડાના હાઇ કમિશનર નિમિષા માધવાણી, કેન્યા ખાતેના ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર રોહિત વઢવાણા, આફ્રિકન દેશોમાંથી રાજદ્વારીઓ, યુએસ, યુકે, કેન્યા અને જાપાનમાંથી સીઈઓ અને બિઝનેસમેન્સ તેમજ જર્મની અને યુકેથી કલાકારોનો સમાવેશ થયો હતો, આ બધાના મૂળ ગુજરાતના વિસ્તારોમાં રહેલા છે. કેટલાક તો ‘બે વખતના વસાહતીઓ’ હતા જેઓ ઈસ્ટ આફ્રિકાથી યુએસ અને યુકે પહોંચ્યા હતા.
પ્રતિષ્ઠિત બિઝનેસ ખાનદાનમાંથી રાજદ્વારી
યુગાન્ડામાં 1970ના દાયકામાં લશ્કરી સરમુખત્યાર ઈદી અમીને ભારતીયોની દેશમાંથી હકાલપટ્ટી કરી ત્યારે એક કિશોરી હતી. એક દાયકા પછી તેનો પરિવાર યુગાન્ડા પરત થયો અને નિમિષા માધવાણીએ સરકારી નોકરી પસંદ કરી હતી. ઈસ્ટ આફ્રિકાના નોંધપાત્ર બિઝનેસ પરિવાર, જેમણે મહેતા પરિવારની સાથોસાથ 20મી સદીની ગુજરાતી ઉદ્યોગસાહસિકતાનો પાયો નાખ્યો તેવા માધવાણી પરિવારમાંથી આવતાં નિમિષાએ યુએસ, ભારત, ફ્રાન્સ, સ્પેન, નોર્ડિક દેશો, યુએઈ સહિતના દેશોમાં યુગાન્ડાના રાજદૂત તરીકે કામગીરી બજાવવાં ઉપરાંત, UNESCO અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાં પણ સેવા આપી છે. તેઓ હાલ યુકેમાં યુગાન્ડાના એમ્બેસેડર તરીકે કાર્યરત છે.
પ્રવાસી ગુજરાતી પર્વમાં ભાગ લેવાં અમદાવાદ આવેલા નિમિષા માધવાણીએ જણાવ્યું હતું કે,‘તેઓ કહે છે કે એક વખત તમે નાઈલ નદીનું પાણી પીઓ તો ચોક્કસપણે પાછાં આવો જ છો, અમે પણ આવ્યાં છીએ. મોટાં પ્રમાણમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરાએ યુગાન્ડા છોડ્યું હતું પરંતુ, સત્તા પરિવર્તન પછી બહુમતી લોકો પરત ફર્યા છે. ભારતમાંથી આફ્રિકા અને ત્યાંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયેલી કોમ્યુનિટીની સફળતાની અનેક કહાણીઓ છે. જેમકે, રિશિ સુનાકના પેરન્ટ્સ ઈસ્ટ આફ્રિકાથી સ્થળાંતર કરી યુકે પહોંચ્યા હતા.’
તેમણે કહ્યું હતું કે તેમની માફક ઘણા લોકોએ ગર્વભેર ગુજરાતી અને યુગાન્ડન ઓળખને જાળવી રાખી છે. ‘અમારે ત્યાં સંજય તન્ના અને ભાસ્કર કોટેચા જેવા અને એન્ટ્રેપ્રીન્યોર્સ અને કોમ્યુનિટી નેતા છે જે પ્રશંસનીય કાર્ય કરે છે. અમારે ત્યાં ફૂલીફાલી રહેલી કોમ્યુનિટી ધામધૂમ સાથે તહેવારોને ઉજવે છે તેમજ ગ્લોબલ લોહાણા બિઝનેસ ફોરમ ઓફ 2023 જેવા ઈવેન્ટ્સ પણ યોજે છે.’
પાવર અને એનર્જી સેક્ટરની ગતિશીલતા
પ્રશાંત વારા થોડા સમય માટે ગુજરાત સરકારમાં ક્લાસ વન ઓફિસર હતા પરંતુ, અમદાવાદના વતની વારા માટે નિયતિની યોજના અલગ જ હતી. શહેરની એલડી કોલેજ ઓફ એન્જિનીઅરીંગમાંથી સ્નાતક અને માસ્ટર્સની ડીગ્રી હાંસલ કર્યા પછી વારાએ પાવર અને એનર્જી સેક્ટરમાં કારકીર્દીના આરંભ પહેલા MBAના અભ્યાસ માટે યુકેની વાટ પકડી હતી
પ્રવાસી ગુજરાતી પર્વમાં પેનલિસ્ટ્સમાં એક પ્રશાંત વારાએ પત્ની જિજ્ઞા સાથેવેન્ટમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ 25 વર્ષ પહેલાની વાત છે જ્યારે મેં વિવિધ સંસ્થાઓમાં વિવિધ ભૂમિકાઓમાં અનુભવ પ્રાપ્ત કર્યો હતો. આજે હું સાઉદી અરામકોમાં પાવર ઓપરેશન્સ સેક્ટરમાં કામ કરી રહ્યો છું. આજે પણ યુકેમાં મારું ઘર છે પરંતુ, મારું કાર્ય મને દૂરસુદૂર લઈ જાય છે. મેં ત્રણ દેશમાં કામગીરી બજાવી છે અને દરેકમાં લાભ અને ગેરલાભ બંને રહ્યાં છે. પરંતુ, હું તમને એક વાત ચોક્કસ કહીશ કે એક ગુજરાતી તરીકે તમે કોઈ પણ પડકારોનો સામનો કરવા ઉકેલ મેળવો જ છો.’ તેમણે પરોપકારી પહેલો સાથે ગુજરાતમાં મૂળિયાં જીવંત રાખ્યા છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની મોટી દીકરી મહેકના કાર્યને સપોર્ટ કરી રહ્યા છે.
‘બહુસાંસ્કૃતિકવાદ તો અમારા હૃદયમાં છે’
ગત વર્ષે મે મહિનામાં 58 વર્ષીય રામજી ચૌહાણે લંડનના હેરો બરોમાં ઈસ્ટ આફ્રિકન મૂળના પ્રથમ મેયર બનીને એક ઈતિહાસ સર્જ્યો હતો. ચૌહાણનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને 1970માં ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી કરાઈ ત્યારે ચાર વર્ષના રામજી સાથે તેમના પેરન્ટ્સ સ્થળાંતર કરી યુકે પહોંચ્યા હતા. હેરોની 2.15 લાખની વસ્તીમાં આશરે 27 ટકા વસ્તી ગુજરાતીઓની છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરતા ચૌહાણના જાહેર જીવનનો અનપેક્ષિત રીતે આરંભ થયો હતો. આશરે 17 વર્ષ અગાઉ લોકલ કાઉન્સિલ તરફથી તેમને કોલ દ્વારા માહિતી અપાઇ કે તેમના બાળકો અભ્યાસ કરે છે તે શાળાની ગવર્નિંગ બોડીનું પ્રતિનિધિત્વ કરવા તેમની પસંદગી કરવામાં આવી છે.
પ્રવાસી ગુજરાતી પર્વમાં ભાગ લેવા અમદાવાદના મહેમાન બનેલા ચૌહાણે કહ્યું હતું કે, ‘આ પછી, કોમ્યુનિટીનું ઋણ ચૂકવવાનું લક્ષ્ય મને વિવિધ હોદ્દા પર દોરતું ગયું. હું 2010માં કાઉન્સિલર બન્યો અને ગત વર્ષે મેયરપદે ચૂંટાયો તે પહેલા મેં ડેપ્યુટી મેયર તરીકે પણ સેવા આપી હતી.’ ચૌહાણે મેયર માટે નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના ચેપ્લીન તરીકે નીસ્ડનના સ્વામિનારાયણ મંદિરના સાધુની પસંદગી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ ફૂલતીફાલતી કોમ્યુનિટીના હૃદયમાં જ બહુસાંસ્કૃતિકવાદ વસ્યો છે. અમારા બરોમાં 12 ધર્મના લોકો છે.’ રાજકોટ જિલ્લામાં મૂળિયાં ધરાવતા ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ ગયા વર્ષે રાજ્યને ખુંદી વળ્યા હતા અને તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી.


comments powered by Disqus