નવસારીઃ ડિજિટલ કરન્સીના જમાનામાં આગામી સમયમાં ફિઝિકલ કરન્સી આઉટ ડેટેડ બની શકે છે, પરંતુ નવસારીના એક શિક્ષકે ભારતમાં એક સમયે વપરાતા ચલણી સિક્કાઓનો ભવ્ય ભૂતકાળ ફરી જીવંત કર્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામના શિક્ષક હેમંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને નિરસ લાગતા વિષય સામાજિક વિજ્ઞાનને ભણાવવા પોતાના શોખને શિક્ષામાં ફેરવ્યો છે. તેઓ તેમના કરન્સી કલેક્શનમાં સામેલ હડપ્પીયન સંસ્કૃતિથી માંડીને અત્યાર સુધીના અલગ અલગ 27 કાળના સિક્કા અને કરન્સી નોટ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયનું શિક્ષણ આપે છે.
