ભાદરણ ગામનો વિકાસપંથ કંડારનારાં સ્વાતંત્ર્યસેનાની શાંતાબાનું નિધન

Tuesday 13th February 2024 05:50 EST
 
 

ભાદરણઃ મૂછાળા મરદને પણ શરમાવે તેવું વ્યક્તિત્વ ધરાવતાં સ્વાતંત્ર્યસેનાની, ભાદરણની ઓળખ અને તેને કંડારનારાં શાંતાબહેન પટેલનું 103 વર્ષની વયે 11 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું. તેમના નિધનથી સમગ્ર ભાદરણ ગામે જાણે પોતાની માતાનો ઓછાયો છીનવાયો હોય તેવી લાગણી અનુભવી છે. સમગ્ર ગામ માટે આજીવન તેઓ પ્રેરણારૂપ તો રહ્યાં જ, સાથોસાથ હૂંફ અને માર્ગદર્શન પણ આપતાં રહ્યાં હતાં. ટૂંકી માંદગી છતાં જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ સ્વસ્થ અને ગામ માટે સતત કંઈ કરી છૂટવા માટે કાર્યરત્ જ રહ્યાં હતાં.
તેમના જીવનકવન પર નજર નાખતાં તેમની બાહોશી છલકાઈ ઊઠે છે. આઝાદી પહેલાં સુભાષચંદ્ર બોઝની ગાડી અટકાવી તેમને મીઠો ઠપકો આપવો, ગાંધીજી સાથે જેલવાસ ભોગવવો, દેશ-ગામના વિકાસ માટે પોતાની મૂડી ખર્ચી નાખવી અને ગમે તેવો મોટો નેતા હોય તેમને પણ શીખ આપી દેવી તે તેમની કાર્યકુશળતા અને બાહોશી જ હતી.
103 વર્ષની વયમાં તેમના વૈભવી વ્યક્તિત્વથી જ અનેક રાજનેતાઓ પણ પ્રભાવિત થયા હતા. ત્યાં સુધી કે ગામનાં અને તાલુકા-જિલ્લા અંગે પણ તેઓ બેબાકપણે નેતાઓને માર્ગદર્શન આપતાં અને તે નેતાઓ તેમને અનુસરતા પણ ખરા.
અનેક કારણોથી પ્રખ્યાત ભાદરણ ગામ શાંતાબહેન પટેલના કારણે પણ એટલું જ પ્રખ્યાત હતું. તેઓ એક એવાં યોદ્ધા હતાં, જેમણે આઝાદ હિન્દ ફોજના પ્રખર લડવૈયા સુભાષચંદ્ર બોઝના કદમ સાથે કદમ મિલાવ્યાં હતાં, તો 1942માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઈને ધરપકડ પણ વહોરી હતી અને યેરવડાનો જેલવાસ પણ ભોગવ્યો હતો.
દેશની, વતનની અને પોતાની ઓળખ અને અભિયાનોમાં શાંતાબહેન પટેલ ખૂબ ચોક્કસ હતાં. ત્યાં સુધી કે શાંતાબહેન પટેલે એક વખત હરિપુરા ખાતે આયોજિત અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ગાડી પર ભારતીય તિરંગો ન હોવાથી કાફલાને અટકાવી દીધો હતો અને ગાડી પર તિરંગો લગાવ્યા બાદ જ સુભાષચંદ્ર બોઝની કારને આગળ જવાની અનુમતી આપી હતી. તિરંગો ન હોવાના કારણે ઠપકો આપવા છતાં સુભાષચંદ્ર બોઝ જેવા વિશાળ વ્યક્તિત્વના સ્વામી પણ શાંતાબહેન સામે નતમસ્તક થઈ ગયા હતા.
શાંતાબહેન દ્વારા કાફલાને રોકી લીધા બાદ અધિવેશનમાં મોડા પહોંચતાં મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને મોડા થવાનું કારણ પૂછતાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને શાંતાબહેન પટેલ અંગેની વાત કરી હતી. આ સાંભળી મહાત્મા ગાંધીએ પણ તિરંગાનું સન્માન જાળવવા બદલ તેમના આ કાર્યની પ્રશંસા કરી તેમની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, ‘આવી વીરાંગનાઓથી જ દેશ ઊજળો છે.’
શાંતાબહેન પટેલ જણાવતાં હતાં કે, ભાદરણ ગામનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ આઝાદીની ચળવળ માટે ભાદરણની મુલાકાત લઈ ચૂક્યા હતા. જેમાં તેઓ પણ સહભાગી બન્યાં હતાં.
દેશભક્તિને વરેલાં શાંતાબહેને બાદમાં આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે પોતાનું યોગદાન પણ આપ્યું. ત્યાં સુધી કે અહિંસક આંદોલન માટે તેમણે પોતાના દાગીના વેચીને પણ મદદ કરી હતી. 1936ની આઝાદીની ચળવળના એ સંભારણાં અને કિસ્સા શાંતાબહેન ગ્રામજનો અને યુવાનોને પૂરા જોમ અને જુસ્સાથી સંભળાવતાં અને તેમને પોતાનું ઉદાહરણ પૂરું પાડી આગળ વધવા માટે પ્રેરણા આપતાં હતાં.
આવા વૈભવી વ્યક્તિત્વની પ્રેરાઈ પૂર્વ મહેસૂલમંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ શાંતાબહેન પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શાંતાબાના કિસ્સા, કુનેહ અને તેમની યાદશક્તિથી રાજેન્દ્ર ત્રિવેદી પ્રભાવિત થઈ ગયા હતા. વર્ષ 1936થી ભાદરણની વિકાસકેડી કંડારાઈ હોવાનું જણાવી શાંતાબાએ કહ્યું કે, 1936માં ભાદરણમાં પહેલવહેલી ગટરલાઇન આવી હતી. આ મુલાકાત દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીને ભાદરણમાં સિટી સરવે કરાવવાનું વચન પણ શાંતાબાએ લઈ લીધું હતું. આવાં વિરાંગનાની વિદાયથી ભાદરણ માટે મોટી ખોટ સર્જાઈ છે.


comments powered by Disqus