મનુષ્ય અને સંસ્થાનોના મૂર્તિકાર દયાનંદઃ મુર્મૂ

Wednesday 14th February 2024 05:49 EST
 
 

રાજકોટઃ ધર્મમાં ઘૂસી ગયેલા પાખંડને દૂર કરવા માટે ભગવો ધારણ કરીને નીકળી પડનારા ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતી ઉજવવા માટે 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી યોજાયેલા મહોત્સવના અંતિમ દિવસે ટંકારા ખાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતની રાજનીતિને સત્યાર્થ સ્વામીજીએ આપ્યાનું જણાવવા સાથે કહ્યું હતું કે, વેદ સંસ્કૃતિ ઉત્થાન, શિક્ષણ, સામાજિક સમરસતા, અસ્પૃશ્યતા નિવારણ, કન્યા કેળવણી ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી અદભુત છે. ક્રાંતિવીરોને પણ તેમણે તૈયાર કર્યા હતા. આધ્યામિક પથપ્રદર્શક મહર્ષિ અરવિંદે દયાનંદ વિશે કહ્યું હતું કે, તેઓ મનુષ્ય અને સંસ્થાનોના મૂર્તિકાર હતા. આજે આર્યસમાજના 10 હજાર જેટલાં કેન્દ્રો માનવતાના વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત છે. આજે તેમની જન્મભૂમિમાં આવવાનો અવસર મળ્યો તે માટે હું મારી જાતને સદભાગી માનું છું. રાષ્ટ્રપતિના હસ્તે આજે ટંકારા ખાતે 200 કરોડના ખર્ચે બની રહેલા દયાનંદ સરસ્વતિના સ્મારક જ્ઞાનજ્યોતિ તીર્થનો શિલાન્યાસ પણ કરાયો હતો.
રાષ્ટ્રપતિ મુર્મૂ ટંકારાનાં મહેમાન બન્યાં
મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવ-જ્ઞાનજ્યોતિ સ્મરણોત્સવની ઉજવણી થઈ, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ટંકારા આવ્યાં હતાં. કરસનજી કા આંગન ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે, મહર્ષિએ સમાજ સુધારણાનું બીડું ઉઠાવ્યું અને સત્યને સિદ્ધ સત્યાર્થ પ્રકાશ નામના મહાન ગ્રંથની રચના થઇ જે માનવ સમાજ માટે આદર્શ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ટંકારામાં રૂ. 250 કરોડના ખર્ચે 15 એકર જમીનમાં જ્ઞાનજ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો.
દયાનંદ સરસ્વતી રાષ્ટ્રચેતનાના ઋષિ: વડાપ્રધાન
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતી અન્વયે ટંકારા ખાતે જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્યસમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના 17 દેશથી, દેશભરમાંથી આવેલા આર્યસમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહોતા, રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા.
સુરતમાં રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને SVNITનો પદવીદાન
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના 20મા પદવીદાન સમારોહ માટે સુરત આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિમહત્ત્વની હોવાનું જણાવ્યું હતું. તેમણે નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજિકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કીલની આપ-લે કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન પણ કર્યુ હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મૂએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ધરમપુરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. ગુરુદેવ રાકેશજીના આમંત્રણને માન આપી પધારેલા રાષ્ટ્રપતિની આ આધ્યાત્મિક અભયારણ્યની મુલાકાત એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો.


comments powered by Disqus