રાજકોટમાં અનોખો કિસ્સોઃ માતાના ગર્ભમાં રહેલા બાળકને બ્લડ ચડાવાયું

Thursday 15th February 2024 01:54 EST
 

રાજકોટઃ વિવિધ બીમારીઓમાં અને અકસ્માત કેસમાં દર્દીને ડોક્ટર દ્વારા લોહી ચડાવવાના અનેક કિસ્સા જોયા છે, પરંતુ તાજેતરમાં રાજકોટના લાઇફ બ્લડ સેન્ટર દ્વારા માતાના ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવાયું હતું. ગર્ભસ્થ બાળકને કમળો અને લોહીની ટકાવારી ઓછી હોવાનું જણાતાં ખાસ સિરીંજ દ્વારા લોહી ચઢાવવાની આ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
વિવિધ પરીક્ષણોથી લોહી ચડાવ્યું
લાઇફ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડો.સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર અમુક કારણોસર ગર્ભમાં રહેલા બાળકમાં લોહીની ટકાવારી ઓછી થઈ જતી હોય છે, જેથી બાળકના માથામાં રહેલી એક નસમાં લોહીની અવર-જવરની ગતિની સોનોગ્રાફી દ્વારા જાણ થતાં વિવિધ પ્રકારનાં પરીક્ષણો પછી લોહી ચડાવવાનું નક્કી કરાયું હતું. તબીબી ભાષામાં તેને ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફ્યુઝન કહેવાય છે.
લોહીની ટકાવારીમાં પણ સુધારો
આ બાબતની ગંભીરતા ધ્યાનમાં રાખીને ડોક્ટર્સે માતાના લોહીનાં સેમ્પલમાં અનઅપેક્ષિત એન્ટિબોડીની તપાસ કરાવી હતી. તેમજ બાળક અને માતાનાં લોહીનાં બધા જ પરીક્ષણો કર્યા પછી લાઇફ બ્લડ સેન્ટરના તબીબોએ તેને ઓ-નેગેટિવ આઇઆર-એલડી- આરસીસી આપેલું હતું. ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવવાની પ્રક્રિયા બાદ તેના લોહીની ટકાવારીમાં પણ સુધારો જાણવા મળ્યો હતો, એટલે કે આ પ્રક્રિયા સંપૂર્ણ સફળ રહી હતી.


comments powered by Disqus