ભુજઃ લંડનના કેરામાં રહેતા લાલજીભાઈ વેલજીભાઈ ભુવા અને તેમનાં પત્ની વાલીબહેન ભુવા તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે 171મા નિઃશુલ્ક મેગા આઇ કેમ્પનું આયોજન કરાયું. ચાર દિવસના આ કેમ્પમાં કચ્છનાં અનેક ગામોમાંથી આવેલા 113 જરૂરિયાતમંદ દર્દીનાં આંખનાં નિઃશુલ્ક ઓપરેશન કરાયાં હતાં. અલગ-અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા નિઃશુલ્ક આઇ ચેકઅપ કરાયા બાદ આ દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતાં લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે નિઃશુલ્ક ઓપરેશન માટે બોલાવાયા હતા.
લાયન્સ ક્લબ ખાતે મહેમાનોના સ્વાગત બાદ દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં દાતા પરિવારના બોસ વેલ ફ્લેચર, દીપાબહેન લાલજી ભુવા તેમજ મહેમાનોમાં ગોપાલભાઈ ઝીણા દબાસિયા (માનકૂવા), મૂળજીભાઈ ભુવા (સુખપર) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જિતુભાઈ ઝવેરીએ કર્યું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે શૈલેશ માણેકે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અભય શાહ અને આભારવિધિ ચંદ્રકાંતભાઈએ કરી હતી. મનસુખ શાહ, શૈલેન્દ્ર રાવલ, વ્યોમા મહેતા તેમજ ઓપરેશન કરાવવા આવનારા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.

