હારિજઃ પાટણના હારિજના મામલતદાર વિનોદ ચૌધરીએ રવિવારે રજાના દિવસે સવારે બંધ કચેરી ખોલાવી કોઈ કારણોસર બીજા માળના ધાબેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનામાં સ્યૂસાઇડ નોટ મળી નથી અને કચેરીમાં આત્મહત્યાને પગલે સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વિધામાં મુકાયું છે. મામલતદાર વિનોદ ચૌધરીએ બપોર પછી અંબાજી શક્તિપીઠ પરિક્રમા અંગે બેઠક રાખી હતી અને તેઓ સવારે પહોંચી આપઘાત કર્યો હતો. દિયોદર યાદર તાલુકાના લીલાધર ગામના વતની વિનોદ ચૌધરી હારિજમાં મામલતદાર તરીકે બે વર્ષથી ફરજ બજાવતા હતા.
રવિવારે રજા હોવા છતાં મામલતદારે બપોરે ત્રણ વાગ્યે યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે મામલતદાર અને તાલુકા પંચાયતના કર્મચારીઓની બેઠક બોલાવી હતી. બપોરે બેઠક હોવા છતાં તેઓ સવારે 9 કલાકે ખાનગી ગાડી લઈ મામલતદાર ઓફિસમાં આવ્યા બાદ આ પગલું ભર્યું હતું.
વિનોદ ચૌધરી પાટણ કલેક્ટર કચેરીમાં કારકુન તરીકે જોડાયા હતા. ત્યારબાદ બઢતી સાથે પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર બની વિવિધ તાલુકામાં નોકરી કરી હતી. જૂન 2022માં બહુચરાજીથી બદલી થઈ બઢતી મેળવી હારિજમાં મામલતદાર તરીકે આવ્યા હતા.
