ભુજઃ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા 9 ફેબ્રુઆરીએ ભુજના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાનાં પૂરતાં પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારનાં ભાઈ-બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મંચસ્થ સંઘના આગેવાનોએ ખેડૂતોને પજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ સમયે હાજર જનમેદનીએ ‘નર્મદા લાવો કચ્છ બચાવો’ના નારા પોકાર્યા હતા. સભા બાદ ખેડૂતોની વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નર્મદાનું પાણી તથા કેનાલનાં અધૂરાં કામો પૂર્ણ કરવાની માગ સાથેનું આવેદનપત્ર પાઠવી કામગીરી કરવા રજૂઆત કરી હતી.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છ કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને નડતા પ્રશ્નો દર્શાવાયા હતા, જેમાં મુખ્યત્વે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે પોણા બે વર્ષથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ નિર્વાણ આવી શક્યું નથી. વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદગતિએ ચાલી રહ્યું છે, આ માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવે તે જરૂરી છે, તેમજ કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નર્મદાનાં પાણી અંગે ફાળવાયેલી નોર્ધન લિન્ક કેનાલ, સધર્ન લિન્ક કેનાલ, સારણ હાઇ કન્ટર કેનાલ અને અબડાસા લિન્ક કેનાલને મંજૂરી મળી શકી નથી. સૌથી મહત્ત્વનો પ્રશ્ન હાલ ખેડૂતોને જમીન સંપાદનના અપૂરતા વળતરનો છે.
