ગાંધીનગરઃ રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પાંડવકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. રૂપાલ ગામમાં નવમા નોરતાની રાત્રે માતાજીની પલ્લી ભરવામાં આવી હતી, જેમાં ભક્તો દ્વારા હજારો કિલો ઘીનો અભિષેક કરાતાં રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. શ્રદ્ધાળુઓ બાળકો માટે વરદાયિની માતાજીની માનતા રાખતા હોય છે, જે પૂર્ણ કરવા માટે નવમા નોરતાની રાત્રે પલ્લી પર ઘીનો અભિષેક કરી માનતા પૂર્ણ કરતા હોય છે.
પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.

