અમદાવાદઃ ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કુલ 15 રાજ્યસભા બેઠકોની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. 15માંથી ભાજપે 10, કોંગ્રેસે 3 અને સમાજવાદી પક્ષ બે બેઠકો જીતી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી આગળ
યુપીમાં રાજ્યસભાની 10 બેઠક પર ચૂંટણી થઈ, જેમાં 8 પર ભાજપ અને 2 પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. આ તમામ 10 બેઠક માટે 395 મતદારોએ મતદાન કર્યું છે. રાજ્યસભા ચૂંટણીનાં પરિણામ મોડી સાંજ સુધીમાં સામે આવી ગયા હતા.
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવાર સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને આગરાના મેયર નવીન જૈનની જીત થઈ છે. તો સમાજવાદી પાર્ટીમાંથી જયા બચ્ચન, પીડીએના ઉમેદવાર રામજીલાલ સુમનનો પણ વિજય થયો છે. ઉત્તરપ્રદેશમાં બળવાખોર નેતાઓ પર સપા દ્વારા પગલાં ભરવામાં આવ્યાં છે, જે અંતર્ગત ધારાસભ્ય પાંડેના સમર્થકોને પાર્ટીમાંથી હટાવાયા છે.
હિમાચલમાં બાજી પલટાઈ
હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા હતા. વિપક્ષના નેતા જયરામ ઠાકુરે જીતનો દાવો કર્યો હતો. જયરામ ઠાકુરે કહ્યું કે, જ્યાં જીતની કોઈ શક્યતા ન હતી ત્યાં અમે જીત્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આભાર. તેમણે કહ્યું કે, હવે સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુએ રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસને 34 અને ભાજપને 34 વોટ મળ્યા હતા. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને હર્ષ મહાજન જીત્યા હતા. કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપને હિમાચલ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં બળવાખોરોના મત ખૂબ કામ આવ્યા છે.
હિમાચલપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો. કમનસીબે બહુમત હોવા છતાં હિમાચલ પ્રદેશમાં ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી જીતી ન શક્યા. કોંગ્રેસના 6 અને 3 અપક્ષ ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના કારણે બંને પાર્ટીઓને 34-34 વોટ મળ્યા હતા. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઇ થતાં ચિઠ્ઠી દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ તેમાં પણ હારી ગઈ હતી અને ભાજપના હર્ષ મહાજન ચૂંટણીમાં જીત્યા છે.
કર્ણાટકમાં ભાજપ નબળો
કર્ણાટકની 4 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે કર્ણાટકમાં ફરી કોંગ્રેસ સામે ભાજપનો નબળો દેખાવ જ રહ્યો હતો. કર્ણાટકની 4 બેઠક પૈકી કોંગ્રેસના અજય માકન અને જી.સી. ચંદ્રશેખરનો વિજય થયો છે, જ્યારે ભાજપના એક ઉમેદવારનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે અહીં જેડીએસના ઉમેદવાર કુપેન્દ્ર રેડ્ડી પણ વિજયી થયા છે. કર્ણાટકમાં ભાજપના એસ.ટી. સોમશેખર દ્વારા ક્રોસ વોટિંગ થયું હતું, જ્યારે શિવરામ હબ્બાર મતદાનથી દૂર રહ્યા હતા. અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લતા મલ્લિકાર્જુન, ગૌડા અને દર્શન પુટ્ટુનૈયાએ કોંગ્રેસ ઉમેદવારને મત આપ્યો હતો.
મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગ
ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કર્ણાટકમાં મંગળવારે રાજ્યસભા માટે વોટિંગ થયું. આ દરમિયાન ભાજપ સિવાયના પક્ષોના સભ્યો દ્વારા મોટાપાયે ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં સપાના 7થી 8 ધારાસભ્યોએ ભાજપને વોટ આપ્યો હતો. તો કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસને વોટ આપવામાં આવ્યો હતો. આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે.

