અમદાવાદઃ અમેરિકા અને યુરોપ સહિતના પશ્ચિમી રાષ્ટ્રોમાં વ્યાજદરમાં વધારો થવાના પગલે ગુજરાતની બેંકોમાં નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન ડિપોઝીટમાં ઘટાડો જોવા મળ્યો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના ડિસેમ્બર ક્વાર્ટરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગુજરાતની બેન્કોમાં બિનનિવાસી ભારતીયોએ પોતાના એકાઉન્ટમાં રૂ. 86,635.31 કરોડ જમા કરાવ્યા હતા. આ ડિપોઝિટ ડિસેમ્બર 2022ના રૂ. 89315.61 કરોડની સરખામણીએ રૂ. 2,680 કરોડ ઓછી છે. બેન્કર્સના જણાવ્યા પ્રમાણે, વિદેશમાં રહેતા ભારતીયો પોતે જે દેશમાં રહેતા હોય ત્યાંના વ્યાજદર અને ભારતના વ્યાજદરની સરખામણીના આધારે ઇન્ડિયામાં ફંડ મોકલતા હોય છે. હાલ અમેરિકામાં વ્યાજદર 5-6% જેવો ચાલી રહ્યો છે, જે ભારત કરતાં ઘણો ઊંચો છે. બ્રિટન, દુબઈ, આફ્રિકન દેશોમાં પણ સારું વળતર મળી રહ્યું હોવાથી ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટ ઘટતી જોવા મળી છે. આ ઉપરાંત કોરોના બાદ જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે તેવા બિનનિવાસી ભારતીયો હવે ભારતમાં રોકાણ કરવાના બદલે પોતે જ્યાં રહેતા હોય ત્યાં જ રોકાણ કરે છે. SLBCના ડિસેમ્બર ક્વાર્ટરના રિપોર્ટ મુજબ વાર્ષિક ધોરણે સૌથી વધુ ગાંધીનગરમાં રૂ. 2,104 કરોડનો ઘટાડો થયો, જે બાદ અમદાવાદમાં રૂ. 663 કરોડ, વલસાડમાં રૂ. 329 કરોડ અને સુરતમાં 170 કરોડનો ઘટાડો નોંધાયો છે.

