ગુજરાતમાં કોંગ્રેસ - આપ વચ્ચે બેઠક સમજૂતીઃ ભરૂચ - ભાવનગરમાં આપ લડશે

Wednesday 28th February 2024 05:05 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણીજંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર આપ લડશે. આ ગઠબંધનમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એક સમયે કોંગ્રેસ ચલાવતા સ્વ. અહેમદ પટેલના પરિવારના પ્રભુત્વવાળી ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે.
દિલ્હીમાં ગઠબંધનની જાહેરાત થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ ગઠબંધનની આંધળા અને લંગડા સાથે સરખામણી કરી દીધી છે. આ સાથે દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટ પર ચૂંટણી લડશે, જેમાં આપ નવી દિલ્હી, સાઉથ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને પૂર્વ દિલ્હી બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે. હરિયાણામાં કોંગ્રેસ 9 અને AAP એક સીટ પર ચૂંટણી લડશે, તો ચંદીગઢ સીટ પણ કોંગ્રેસના ફાળે ગઈ છે.
એ જ સમયે કોંગ્રેસ ગોવાની બંને લોકસભા બેઠક પર તેમના ઉમેદવારો ઊભા કરશે. પંજાબ માટે ગઠબંધનની ફોર્મ્યુલા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. શનિવારે 24 ફેબ્રુઆરીએ કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક અને AAP તરફથી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠક વહેંચણીની ઔપચારિક જાહેરાત કરી.
હું ભરૂચમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડીશઃ ફૈઝલ એહમદ પટેલનો હુંકાર
ભરૂચ લોકસભાની બેઠક ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ફાળે જતાં કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને સ્વ. એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સામે બગાવતના સૂર શરૂ કરી દીધા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ પક્ષના નિર્ણયથી નાખુશ છે. ચૂંટણીને હજુ સમય છે, ત્યારે તેઓ આજે દિલ્હી જઈ હાઇકમાન્ડને મનાવવાની કોશિશ કરશે. તેઓએ એમ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ તેમના કાર્યકરો કહેશે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર નહીં કરે. ઉપરાંત તેમણે આક્રમક તેવર અપનાવતાં એમ પણ જણાવી દીધું કે, તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી શકે છે. અહીં અમારું નેટવર્ક મજબૂત છે.


comments powered by Disqus