અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં એક લાખથી વધુ ખેડૂતો, સહકારી આગેવાનો કોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, ડેરી સેકટરનું ઉત્પાદન 10 લાખ કરોડ છે, ઘઉં અને શેરડીના ટર્નઓવરને મેળવીએ તો પણ 10 લાખ કરોડથી વધુ ઉત્પાદન થતું નથી ત્યારે ડેરી સેકટરમાં 70 ટકા કામ કરવાવાળી આપણી માતા બહેનો અને દીકરીઓ છે. ભારત અત્યારે વીમેન લેડ ડેવલપમેન્ટના મંત્ર સાથે આગળ વધી રહ્યુ છે. અમૂલ વિશે કહેતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે. અન્ય દેશોમાં ડેરી સેક્ટર 2 ટકાના દરે જ્યારે ભારતમાં 6 ટકાના દરે આગળ વધ્યું છે.
અમૂલનો પાયો સરદાર પટેલના માર્ગદર્શનમાં નખાયો
સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું
અમૂલની સફળતા મહિલા શક્તિથી
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૂલ સફળતા પર છે એમાં મહિલા શક્તિ મૂળ કારણ છે. ભારતને વિકસિત બનાવવા દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી આવશ્યક છે. મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકાર ચારેબાજુ કામ કરી રહી છે. સરકારના પ્રયાસથી છેલ્લાં 10 વર્ષથી ભાજપ સરકારે 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યાં છે, એમાં મોટાભાગનાં મહિલાઓના નામે છે. આપણે નમો ડ્રોન દીદી અભિયાનનું નામ સાંભળ્યું હશે, જે અંતર્ગત 15 હજાર આધુનિક ડ્રોન દેવામાં આવી રહ્યાં છે.
ગામડાઓએ વાવેલ છોડ વટવૃક્ષ બન્યો
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં ગામડાંઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો, તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતીની તમને ખૂબખૂબ શુભકામના. દરેક મહિલાઓનું હું અભિવાદન કરું છું. આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમૂલ જેવું કોઈ નહીં. અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ.

