પાટણઃ લેઉવા પાટીદાર સમાજે નારીશક્તિને સશકત કરવાનો અનેરો પ્રયાસ આદર્યો છે. સમાજની અપરિણીત દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપીને સુરક્ષિત કરવા સમાજ દ્વારા શક્તિ વંદનાનું અભિયાન હાથ ધરાયું, જે અંર્તગત સમાજના દાતાઓના સહયોગથી રૂ. 25 લાખથી વધુના ખર્ચે સમાજની 9થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના બે તથા 15થી 29 વર્ષની દીકરીઓને ત્રણ ડોઝ આપવા તબક્કાવાર વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા. આ કેમ્પમાં અમેરિકા અને અમદાવાદના દાતાઓ દ્વારા પૂરતો સહયોગ કરવામાં આવ્યો હતો.
23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ સાંજે પાટણસ્થિત પાટીદાર છાત્રાલય ખાતે યોજાયેલા પ્રથમ તબક્કાના કેમ્પને દાતાઓ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના મહેમાનો અને સમાજના ગાયનેક ડોક્ટરોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે કુલ 280 દીકરીને વેક્સિન અપાઈ અને બીજા દિવસે પણ 325 દીકરીને વેક્સિન આપીને સુરક્ષિત કરી દેવાઈ છે.

