વિસનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં મહા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ વડાપ્રધાને રૂ. 13 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને જાહેરસભા સંબોધતાં જણાવ્યું કે, વાળીનાથમાં ઘણી જૂની યાદો તાજી થઈ છે. આ મંદિર માત્ર દેવાલય જ નથી, તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું પ્રતીક પણ છે. વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે એક સંયોગ પણ થયો છે, આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો, અને આજે વાળીનાથમાં મહાદેવનાં સાંનિધ્યમાં છું.
તરભ ગુરુગાદી છે: વડાપ્રધાન
રામચંદ્ર ભગવાનના જન્મસ્થળ પર વિશાળ મંદિરે આકાર લીધો છે. તરભ વાળીનાથની જગ્યા માત્ર એક તીર્થધામ નહીં, પરંતુ રબારી સમાજની ગુરુગાદી છે. વડનગરમાં ઉત્ખનન દરમિયાન ઊજાગર થતો 2800 વર્ષ પ્રાચીન ઈતિહાસ અને ધોળાવીરામાં પ્રાચીન ભારતનાં દિવ્ય દર્શન થાય છે. આ અવશેષો ભાવિ પેઢીને પોતાના મૂળ સાથે જોડશે અને તેઓ તેનો ગર્વ અનુભવશે. કેન્દ્ર સરકાર દેશની સુરક્ષાને પણ મહત્ત્વ આપે છે. ભવ્ય વારસાને ઉજાગર કરતી વિરાસતને જોડતાં સ્થાનોને જોડવાનું પણ કામ ચાલી રહ્યું છે.
‘આજે વાળીનાથે વટ પાડી દીધો છે...’
‘આજે વાળીનાથે વટ પાડી દીધો’ કહી વડાપ્રધાને ભૂતકાળનાં સ્મરણો વાગોળ્યાં હતાં. વિક્રમગિરિના ઉલ્લેખથી શરૂ કરી તેમણે દેવલોક પામેલા બળદેવગિરિ સાથેના પોતાના ગાઢ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બળદેવગિરિ સાથે મારે નિકટના સંબંધ હતા. વાળીનાથ ધામમાં તેઓ અનેક વખત આવ્યા છે અને આશીર્વાદ મેળવ્યા છે. હાલના મહંત જયરામગિરિ બાપુ અભિનંદનને પાત્ર છે. તેમણે સદ્ગત બળદેવગિરિ બાપુના સંકલ્પને પરિપૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, તેમજ આ ભવ્ય પ્રસંગનું આયોજન કરનારો રબારી સમાજ પ્રશંસાને પાત્ર છે.

