અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અસીલને શોધવા વકીલ અન્ય દેશમાં જાય તેવો કિસ્સો બનશે. મહેસાણાના 9 લોકો ડોમિનિકાથી ગુમ થતાં તેમના પરિવારજનોએ તેમને શોધવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને બે દેશના રાજદૂતો પાસેથી તેમનો પત્તો મેળવવાના પ્રયત્ન થયા પછી પણ કોઈ ભાળ ન મળતાં છેવટે હાઇકોર્ટના વકીલો તેમને શોધવા ફ્રાન્સ પાસેના કેરેબિયન ટાપુ પર જશે.
પરિવારજનોએ ફ્રાન્સના ખ્યાતનામ બે વકીલોને આ કેસ સોંપ્યો છે. ગેરકાયદે ગયેલા લોકો ફ્રાન્સની સરહદમાં, પરંતુ ફ્રાન્સથી દૂર અલગ ટાપુ પર ડિટેન્શન સેન્ટરમાં હોવાની શંકા હોવાથી પરિવારજનો તેના માટે વિઝા લેવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ગુમ પરિવારજનો કેરેબિયન ટાપુ પરથી અમેરિકા જવાના હોવાની વાતને સમર્થન મળ્યું હોવાથી હાઇકોર્ટે વિઝા માટે મદદ કરવા ઇનકાર કરી દીધો હતો. ફ્રાન્સ સરકારે એવો જવાબ આપ્યો હતો કે કોઈપણ ભારતીય નાગરિક ટાપુ પર હોવાની માહિતી નથી. પરિવારજનોએ એવી રજૂઆત કરી હતી કે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ભારત સરકારે કરેલા પ્રયત્નોમાં કોઈ પગેરું મેળવી શકાયું નથી, તેથી 3 એડવોકેટ અને સંબંધી કેરેબિયન ટાપુ પર જવાના ખાસ જુદી કેટેગરીના વિઝા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. વિઝા મળ્યા પછી તેઓ પેરિસના એડવોકેટ સાથે મળીને તેમને શોધવા ફ્રાન્સ સરકાર અને કોર્ટની મદદ લેશે.
ફેબ્રુઆરીમાં સંપર્ક કપાયો હતો
મહેસાણાના 9 લોકો કેરેબેયિન ટાપુ પર ફરવા ગયા હતા, પરંતુ ગત ફેબ્રુઆરીમાં તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. છેલ્લી વાત મુજબ તેઓ ખાનગી બોટમાં માર્ટીન ટાપુ પર જતા હતા. અરજદારે રજૂઆત કરી હતી કે તેઓ કેરેબિયન ટાપુ પરથી ગેરકાયદે અમેરિકા ફરવા જવાના હતા. જે અંગે ખંડપીઠે કહ્યું કે, જો ઘૂસણખોરીમાં પકડાયા હોય તો તેમને સજા પણ થઈ શકે છે.

