યુએસ બોર્ડર પર ચાર ગુજરાતીનાં મોતના કેસમાં ડર્ટી હેરી પકડાયો

Wednesday 28th February 2024 05:05 EST
 
 

વોશિંગ્ટનઃ કેનેડાના માર્ગે થઈને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરનારા એક ગુજરાતી પરિવારના મોતના કેસમાં અમેરિકાના શિકાગોમાં એક ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. નોંધનીય છે કે, ગુજરાતના એક જ પરિવારના 4 લોકોનાં મોતની આ ઘટના જાન્યુઆરી 2022માં બની હતી અને તેણે અમેરિકા અને ભારતમાં અરેરાટી પ્રગટાવી હતી. ભારતીય મૂળના વ્યક્તિની ઓળખ હર્ષકુમાર રમણલાલ પટેલના રૂપમાં થઈ છે. પોલીસ અધિકારીઓએ તેને શિકાગોના ઓહારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી લીધો હતો અને તેને 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર કરાશે. નોંધનીય છે કે હર્ષ પટેલને ડર્ટી હેરી, પરમસિંહ અને હરેશ રમણલાલ પટેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પર હ્યુમન ટ્રાફિકિંગ અને યુનાઇટેડ સ્ટેટમાં ગેરકાયદે વિદેશીને ઘુસાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 39 વર્ષનો જગદીશ પટેલ તેની 37 વર્ષની પત્ની વૈશાલી પટેલ, પુત્રી વિહાંગી પટેલ તથા ત્રણ વર્ષના ધાર્મિક પટેલ આમ 4 લોકો કેનેડાની સરહદથી અમેરિકાની સરહદમાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટ્યાં હતાં.
હર્ષ પટેલ સામે મજબૂત ડોક્યુમેન્ટ
હર્ષ પટેલ સામેના કેસમાં દાખલ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજો સાથે રજૂ કરવામાં આવેલા સોગંદનામા અને કાનૂની ફરિયાદમાં 2022ની ઘટનાનું વર્ણન કરાયું છે. તેમાં જણાવાયું છે કે, પટેલ એક સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો હિસ્સો હતો, જેણે અમેરિકામાં ભારતીય નાગરિકને ગેરકાયદે ઘુસાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ કામગીરી માટે તેણે સ્ટિવ શૈન્ડ નામના ચોરની ભરતી કરી હતી, જેને 19 જાન્યુઆરીએ ગુજરાતીઓના શબ મળી આવ્યા બાદ પકડી લેવાયો છે.


comments powered by Disqus