સુરતઃ ત્રણ મહિના પહેલાં રશિયા પહોંચેલા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામના યુવકે રશિયા- યુકેન યુદ્ધમાં જીવ ગુમાવતાં શોક વ્યાપી ગયો છે. મૂળ સૌરાષ્ટ્રના ગારિયાધાર તાલુકાના વાવડી ગામના વતની 23 વર્ષીય આશાસ્પદ યુવકનું યુદ્ધમાં મોત બાદ તેનો મૃતદેહ વતન ફરે એ માટે સરકારી તંત્રની મદદ માગવામાં આવી છે. આર્મી કેમ્પમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા આ યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું છે. કામરેજના વેલંજા ગામે રહેતા અશ્વિનભાઈ માંગુકિયાનો મોટો પુત્ર પુત્ર હેમિલ 14 ડિસેમ્બરે ખાનગી એજન્ટ મારફતે રશિયા નોકરીઅર્થે ગયો હતો, જ્યાં હેમિલ આર્મી કેમ્પમાં હેલ્પર તરીકે જોડાયો હતો, જેમાં તેનો માસિક પગાર રૂ. બે લાખ નક્કી થયો હતો. દરમિયાન 23 ફેબ્રુઆરીએ રશિયાના આર્મી કેમ્પમાં હેમિલ માંગુકિયાની સાથે જોડાયેલા કર્ણાટકના ગુલબર્ગાના વતની સમીર એહમદે વેલંજા રહેતા હેમિલના પિતા અશ્વિનભાઈને કોલ કરીને જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં અમે બંને આર્મીમાં સિક્યુરિટી ટ્રેનિંગ મેળવી રહ્યા હતા, ત્યારે રશિયાની બોર્ડર પરના ડોનેત્સક નજીક એક ડ્રોન મિસાઇલ ત્રાટકી હતી. આ હુમલામાં હેમિલનું મોત નીપજ્યું હતું.
મૃતદેહ લાવવા રજૂઆત
વેલંજા ગામે રહેતા માંગુકિયા પરિવારના જુવાનજોધ પુત્ર હેમિલનું યુક્રેન ડ્રોન મિલાઇલ હુમલામાં મોત નીપજ્યું હતું. સેંકડો કિલોમીટર દૂર પોતાના વહાલસોયા પુત્રનું યુદ્ધમાં મોત નીપજતાં તેનાં માતા-પિતા સહિત સ્વજનો ચોધાર આંસુ સારી રહ્યાં છે. પોતાના પુત્રનાં અંતિમ દર્શન અને તેની અંતિમક્રિયા કરવા માટે રશિયાથી મૃતદેહ સત્વરે મળી જાય એ માટે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે અને રશિયન એમ્બેસીમાં રજૂઆત કરી છે.
રશિયાના આર્મી કેમ્પમાં જોડાયેલા સમીર એહમદે કોલ કરીને પરિવારને કહ્યું હતું કે. હેમિલ ફાયરિંગની પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે એકાએક ધડાકાભેર મિસાઇલ ત્રાટકી હતી. મિસાઇલ ફાટતાં જ અહીં જબરદસ્ત ભાગદોડ મચી ગઈ હતી અને જીવ બચાવવા અમે બંકરમાં છુપાયા હતા. બધું થાળે પડ્યા બાદ બહાર નીકળીને તપાસ કરતાં હેમિલ મૃત હાલતમાં નજરે પડ્યો હતો.

