વડોદરાઃ 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ ડીસીપી લીના પાટીલને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયાં હતાં, તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ પથ્થરમારો કરનારાની શોધખોળ હાથ ધરી હતી.
જતીન અર્જુનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે, હું મારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો. જેથી મારા ગ્રાહકોએ જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી હતી. જે બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમિયાન sahid-patel-7070 નામના આઇડી પરથી અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી.

