વેરાવળઃ ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ઝડપાયેલા રૂ. 350 કરોડના ડ્રગ્સકેસમાં ATS, NDPS, SOG, LCB સહિતની એજન્સી દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે, જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયે મુર્તઝા નામના ઇસમે કરાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 9 શખ્સની ધરપકડ થઈ છે, જ્યારે જોડિયાનો ઇશાક દ.આફ્રિકાથી સૂચના આપતો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલા બંને શખ્સ સહિત ત્રણેય ના 12 દિવસના રિમાન્ડ વેરાવળ કોર્ટે મંજૂર કર્યા છે.
ઇશાક દક્ષિણ આફ્રિકાથી સૂચના આપતો
સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટના ટંડેલ ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછ કરતાં અનેક ઘટસ્ફોટ થયા છે, જેમાં આ ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયે ફિશિંગ બોટમાં મુર્તઝા નામના શખ્સે કરી હતી, તેમજ આ ડ્રગ્સની વેરાવળ ખાતે ડિલિવરી ક્યાં પહોંચાડવી સહિતની સૂચના જામનગરના જોડિયાનો ઇશાક નામનો શખ્સ આપતો હોવાનું ખૂલ્યું છે. આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે અને હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં લોકેશન મોકલી સૂચના આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટંડેલના ફોનના સર્વેલન્સમાં વિદેશથી ફોન થયેલા જણાયા છે.

