આણંદઃ સરદાર પટેલના વતન કરમસદને મનપાથી બાકાત રાખીને અલગ દરજ્જો આપવાની વિચારણા ચાલી રહી છે. સરદારની ભૂમિ પર વર્ષો જૂના રેલવે સ્ટેશનનું પુન: નિર્માણ કરીને આધુનિક સુવિધા આપવા માટે કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત કરમસદ રેલવે સ્ટેશનના પુનઃનિર્માણનો શિલાન્યાસ કરાયો. કરમસદ રેલવે સ્ટેશનનું ગતિશક્તિ અમૃત યોજના હેઠળ રૂ. 7.13 કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે.
આણંદનું રેલવે સ્ટેશન એ ગ્રેડનું ગણાય છે. પરંતુ પાયાની સુવિધાનો આજે પણ અભાવ છે. વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનઃવિકાસ માટે લગભગ રૂ. 155 કરોડ અને આરઓબી-આરયુબીના નિર્માણ માટે લગભગ રૂ. 618 કરોડ સહિત કુલ રૂ. 773 કરોડથી પણ વધારાનાં કાર્યો કરાશે. આ નવા રેલવે સ્ટેશનથી નાગરિકોને આધુનિક સુવિધા મળી શકશે.
સરદારની વિશાળ પ્રતિમા ઊભી કરાશે
કરમસદ ખાતે વિશાળ કેમ્પસ, આધુનિક પ્રવેશદ્વાર, આધુનિક બેઠક વ્યવસ્થા, શુદ્ધ પાણી, શૌચાલય, અદ્યતન ટિકિટ બારી, વાહનોની પાર્કિંગ વ્યવસ્થા અને મજબૂત સ્ટ્રક્ચર સાથે પ્લેટફોર્મ તૈયાર કરાશે. સાથે સાથે સરદાર પટેલની લોખંડની વિશાળ પ્રતિમા તેમજ જીઆયડીસી તરફ 100 મીટર લાંબી દીવાલ અને 6 મીટર ઊંચી દીવાલ પણ બનાવી છે. તેમજ દિવ્યાંગોને પ્લેટફોર્મ પર ચઢવા-ઉતારવાની વ્યવસ્થા તેમજ દિવ્યાંગ માટે આધુનિક શૌચાલય બનાવાશે.

