સુરતઃ પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રધાનમંત્રી મિત્રા (મેગા ઇન્ટેગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપેરલ) પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, પીએમ મિત્રા પાર્ક ટેક્સટાઇલ સેક્ટર માટે દેશનો પહેલો એવો ટેક્સટાઇલ પાર્ક છે, તેનાથી કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે અને કાપડની નિકાસમાં ભારતની હિસ્સેદારી વધશે. સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાન વૈશ્વિક ફલકે છવાઈ જશે. ગુજરાતની ગૂંજ વિશ્વમાં સંભળાશે. મિત્રા પાર્કને કારણે રૂ. 3 હજાર કરોડનું રોકાણ આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, મિત્રાપાર્કમાં જ કામદારો માટે આવાસ, લોજિસ્ટિક પાર્ક, ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ સુવિધા હશે. પાર્ક આસપાસનાં ગામોમાં રોજગારનો અવસર મળશે.
વડાપ્રધાને પીએમ મિત્રા પાર્ક સંદર્ભે જણાવ્યું કે, 1141 એકરમાં સાકાર થનારો મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એપેરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે અને ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ વેગવંતો બનશે. આ પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર યુ વર્લ્ડ’નું ઉદાહરણ સિદ્ધ કરશે. આઝાદી બાદ પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે.

