કંડલામાં રૂ. 1 લાખ કરોડના રોકાણથી 4 કંપની ગ્રીન હાઈડ્રોજન એકમ સ્થાપશે

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

કંડલાઃ નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્યાંક હાંસલ કરી પ્રદૂષણ ઘટાડાની દિશામાં ભારત વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે, જે માટે ફરી ગુજરાતની ધરતીની પસંદગી કરાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) તેમજ એનર્જી કંપનીઓ ગ્રીનકો ગ્રૂપ તથા વેલસ્પન ન્યૂ એનર્જી કંડલામાં ગુજરાતના દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) ખાતે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા એકમ સ્થાપવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવે એમ મનાઈ રહ્યું છે.
સૌથી મોટી વાત એ છે કે, ભારતમાં આ સેક્ટર અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં આ પ્રકારનાં સૌથી મોટાં રોકાણો પૈકી આ એક હશે. અલબત્ત હાલ લોકસભા ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હોવાના કારણે આ માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી.
જો કે ચૂંટણી બાદ જૂન મહિનામાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. પોર્ટ ઓથોરિટીને ગતવર્ષે ઓક્ટોબરમાં દર 300 એકર જમીન પૈકી 14 પ્લોટમાં રસ હોવાનું જાણવા મળ્યું હતું. જમીનના પ્રત્યેક પ્લોટને દરવર્ષે એક મિલિયન ટન (એમટીપીએ) ગ્રીન એમોનિયા ઉત્પાદન માટે નિર્ધારિત કરવામાં આવેલ છે.
ગત મહિને હરાજીમાં આ 4 કંપનીઓ દ્વારા સૌથી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. કંડલા પોર્ટ ખાતે દરવર્ષે 7 મિલિયન ટન ગ્રીન એમોનિયા અને દરવર્ષે 1.4 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક છે.


comments powered by Disqus