અમદાવાદઃ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે હવામાન વેરી બનતાં ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાનું અનુમાન છે. કૃષિ નિષ્ણાતો મુજબ કેસરના મોર બેસવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછાં ફળ બન્યાં હતાં. ગુજરાતમાં છેલ્લાં અમુક વર્ષોથી કેરી માટે અનુકૂળ વાતાવરણ ન રહેવાથી રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે.
બાગાયત વિભાગના આંકડા જોઈએ તો 2020માં રાજ્યમાં કેરીનું 12 લાખ ટનથી વધારે ઉત્પાદન હતું, જે 2023માં ઘટીને 9.60 લાખ ટન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનનું ઉત્પાદન હતું, જે ઘટીને 4.81 લાખ ટન પર પહોંચ્યું છે.
તેવી જ રીતે કેસર કેરીના મુખ્ય ઉત્પાદક કચ્છમાં કેરીનું ઉત્પાદન 3.50 લાખ ટન આસપાસ રહેતું હતું. વિતેલાં 5 વર્ષ દરમિયાન બિપરજોય સહિત વાવાઝોડા અને વાતાવરણમાં થયેલા ફેરફારથી ઉત્પાદન ઘટીને 2.68 લાખ ટન થયું છે.

