ઘેડમાં શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહ માટે લોકોનો થનગનાટ

Wednesday 17th April 2024 04:51 EDT
 
 

પોરબંદરઃ માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની તડામાર તૈયારી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી માધવપુર ખાતેભવ્ય ભાતીગળ મેળો યોજાશે, જેના માટે ભક્તોમાં થનગનાટ જોવા મળ્યો હતો.
રુડું રળિયામણું માધવપુર ઘેડ દ્વારકા-સોમનાથ હાઇવે પર આવેલું રમણીય તીર્થ છે, જ્યાં શ્રીકૃષ્ણ ભગવાને રુક્મિણીજીનું હરણ કરી માધવપુરમાં લગ્ન કર્યાં હતાં. શ્રીકૃષ્ણ-રુક્મિણીજીને વિચાર આવ્યો હતો કે જ્યાં કુંવારી ભૂમિ હોય અને જ્યાં કોઈના પણ લગ્ન ન થયાં હોય ત્યાં લગ્ન કરવાં છે, તેથી શ્રીકૃષ્ણએ માધવપુર વસાવ્યું અને મધુવનમાં આવેલ ચોરી માયરામાં વિધિવત્ રુક્મિણીજી સાથે ભગવાને લગ્ન કર્યાં હતાં.
માધવપુર સૌરાષ્ટ્રનું વૃંદાવન કહેવાય છે. ચૈત્રી રામનવમીથી વિવાહ ઉત્સવ અને લોકમેળાનો પ્રારંભ થાય છે, જેને માણવા માટે દેશ-પરદેશથી લોકો આવે છે. ચૈત્ર માસની રામનવમીથી તેરસ સુધી ઊજવાતા શ્રીકૃષ્ણ-રુક્મિણીજીનાં લગ્ન તથા મેળાની પ્રાચીન ઐતિહાસિક ઓળખને નરી આંખે માણવા, શ્રીકૃષ્ણને વરરાજાના રૂપે જોવા અને શ્રીકૃષ્ણ-રુક્મિણી વિવાહમાં ભાગ લેવા માટે સમગ્ર ઘેડ પંથકની પ્રજામાં થનગનાટ જોવા મળ્યો હતો.


comments powered by Disqus