પડદા બેટથી 5200 વર્ષ જૂનાં હડપ્પાકાલીન અવશેષ મળ્યાં

Wednesday 17th April 2024 06:12 EDT
 
 

દયાપરઃ પુરાતત્ત્વીય વિભાગને લખપત તાલુકાના પડદા બેટ ખાતેથી 5200 વર્ષ જૂના હડપ્પાકાલીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં સ્થાનિક પથ્થરથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળ્યા છે. કેરાલા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ. અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરાયું હતું.
અગાઉ 2019માં કેરાલા યુનિ.ની ટીમને ‘પડદા બેટ' નામની સાઇટ ખાતેના પ્રારંભિક હડપ્પા સભ્યતાના કબ્રસ્તાન પર 2019થી મોટાપાયે ખોદકામ કરાયું હતું. ખોદકામમાં વસાહતનો પુરાવો એક નાના ટેકરીના ઢોળાવથી મળ્યો હતો. આ ટેકરી પડદા બેટ તરીકે ઓળખાય છે. આ સ્થળ પર 200X200 મીટરના વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાથી પુરાતાત્વિક અવશેષો મળ્યા છે. જેમાં મકાનના પાયાની સાથે વાસણ પણ મળી આવ્યાં છે.
હાડપિંજર પણ મળ્યું
તે સમયની વનસ્પતિ કે ધાન્ય વિશે જાણવા માટે કરાયેલા ખોદકામ દરમિયાન જમીનના નમૂના તપાસ માટે એકઠા કરવામાં આવ્યા છે. ટેકરીના ઢોળાવ પર વસાહતથી થોડે દૂર પથ્થરોના ઢગલા નીચેથી એક કબરમાંથી માનવ કંકાલ પણ મળ્યું છે.
પ્રાણીઓના પણ અવશેષ
અહીં હડપ્તા સભ્યતા સાથે સામ્યતા ધરાવતાં વાસણોના અવશેષોની સાથે વિશિષ્ટ પ્રકારની માટીના વાસણો મળ્યાં છે, જે અન્યત્ર ક્યાંય પ્રાપ્ત થયાં નથી. વિશિષ્ટ પ્રકારની માટીનાં વાસણોમાં માટલાં, વાટકા, ડિશના અવશેષો મળ્યા છે. અન્ય પુરાતાત્વિક અવશેષોમાં પથ્થરોમાંથી બનાવેલા મણકા, મોતી, માટીના મણકા, મોતી, તાંબાના અવશેષો, પથ્થરથી બનાવેલાં ઓજારો, ગાય, ભેંસ ઘેટાં, બકરાં સહિતનાં પ્રાણીઓનાં હાડકાં અને છીપલાં જેવા જળચર પ્રાણીઓના અવશેષો પણ મળ્યાં છે.


comments powered by Disqus